શુભ યાત્રા… યાત્રાનું સ્થળ જૂનું પણ યાત્રા યાદગાર!

ફિલ્મ રિવ્યુ

Cine Gujarati | શુભ યાત્રા | Film Review 

શુભ યાત્રા - Abhimanyu Modi

‘ખાતું હોય ને એ જ ખાતું હોય’- હિસાબમાં ઝોલ કરનારો મુખ્ય એકાઉટન્ટ હિસાબ કરતાં કરતાં થોડા મૂંઝાયેલા પ્રમાણિક જુનિયર હિસાબનીશને આવું જ્ઞાન આપે છે. સરસ શબ્દરમતવાળા આ સંવાદ પછી આગળ શું થશે એની ઇંતેજારી વધે. અનુભવી દર્શન જરીવાલા ફિલ્મમાં માસ્ટર – નાટકના દિગ્દર્શકના રોલમાં છે. તે પેલા મુખ્ય એકાઉટન્ટને લઈને ડ્રામા સ્ટુડન્ટ્સ પાસે બેસે છે. એકાઉટન્ટને ડિરેક્ટરની ચેર ઉપર બધાની સામે બેસાડે છે. એ સીનનો કલાઈમેક્સ જબરદસ્ત સંવાદથી આવશે એવી આશામાં દર્શક ધ્યાનથી એ સીન જુવે. પણ એ સીનના લખાણ ઉપર દર્શનભાઈનો અનુભવ અને સીનની કોમ્પોઝિશન હાવી થઈ જાય છે. શુભયાત્રાની યાત્રા આ રીતે ચોથા-ત્રીજા-બીજા-ચોથા ગીઅરમાં આગળ વધતી રહે છે.

શુભ યાત્રા - Poster

શુભયાત્રા તમિલ ફિલ્મ ‘આંદવન કતલાઈ’ની ઓફિશિયલ રિમેક છે. તે ફિલ્મમાં વિક્રમ વેધા અને ફર્ઝી સિરીઝથી વધુ પ્રખ્યાત બનેલા વિજય સેતુપતી મેઈન હીરો છે. અહીં એ રોલ મોહનના નામે મલ્હાર ઠાકર કરે છે. સાઉથની પ્રખ્યાત હિરોઈન નયનતારા અને ડિરેક્ટર વિજ્ઞેશ શિવનના રાઉડી પિક્ચર્સે આ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. હિતુ કનોડિયા નાના ગેસ્ટ રોલમાં અને દર્શન જરીવાલા મોટા ગેસ્ટ રોલમાં છે. મલ્હાર અને મોનલ ગજ્જરની આ ફિલ્મમાં ‘બેબી બૂચ મારી ગઈ’ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે ત્યારે મજા આવે. અર્ચન ત્રિવેદીના કિરદાર ઉપરથી કેવી રીત જઈશ વાળા રાકેશ બેદી સાથે અનાયાસે સરખામણી થઈ જાય. પણ બેદી સાહેબે ઓવર ધ ટોપ પર્ફોર્મ કરેલું જ્યારે અર્ચનભાઈએ હળવાશથી અન્ડરપ્લે કર્યું છે. મોહનના બંને મિત્રો ફિલ્મમાં મજા કરાવે છે. હેમીન ત્રિવેદી અને મગન લુહાર ચલચિત્રને જીવંત બનાવે છે.

આ ફિલ્મની વાર્તા ટિપિકલ ચરોતર પ્રદેશના બેકડ્રોપમાં વધુ અસરકારક થઈ શકી હોત. તે પ્રદેશના લોકોમાં ફોરેન જવાનું વળગણ વધુ હોય છે. અહીં ‘બ્લેકમાં યુએસ ગયા છે’ એવું પણ સાંભળવા મળે. એ બ્લેકમાં ફોરેન જવું એટલે શું એ ફિલ્મની વાર્તા છે. ગામડામાં રહેતા એક યુવાનને માથે ચડી ગયેલું પુષ્કળ દેવું ઉતારવા માટે અમેરિકા જઈને ડોલર કમાવવા છે. તેમાં તેને લંગોટિયો (અને ઘોઘો) યાર પણ સાથ આપે છે. ખોટો પાસપોર્ટ, ખોટા ડોક્યુમેન્ટસ અને ખોટા જવાબો સાથે અમેરિકન વિઝા મળવા સહેલા છે? ભગવાનમાં ન માનતો માણસ પણ અમેરિકન એમ્બેસીમાં માનવા લાગે. આ આખી જૂઠી પ્રક્રિયા જો કોઈ બીજું કરતું હોય તો તે જોવાની મજા છે અને માટે તેમાં નાટ્યતત્વ પણ છે. એક જૂઠને કવર કરવા માટે બીજા પાંચ જૂઠાણાં ખડા કરવાના. એમાં પણ આજના જમાનામાં ભાગ્યે જ જોવા મળે એવું નામ ધરાવતી યુવતી શોધવાની! જાતે ઊભી કરેલી સમસ્યાઓમાંથી નિષ્પન્ન થતી ટ્રેજેડી + કોમેડી = ફેમિલી એન્ટર- ટેઇનર.
શુભ યાત્રા - Film Poster

ટી-શોપ પર બેઠેલા બે યુવાનો જ્યારે સામે બેઠેલી યુવતીને કનવિન્સ કરવામાં નિષ્ફળ જાય અને પેલી યુવતી એક છોકરાનો પાસપોર્ટ લઈને જતી રહે ત્યારે કેમેરા ટી-કેફેની દીવાલ ઉપર રહેલા એક ક્વોટ ઉપર સ્થિર થાય છે : ‘જો ચા તમારો પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકે તો મામલો સાચે જ ગંભીર છે.’ અમદાવાદમાં ભાડે ઘર શોધવામાં જે તકલીફો પડે એની સાથે રિલેટ કરી શકાય છે. નંદિની પંડ્યા અને કશ્યપ પટેલના બ્લ્યુ બોર્ડ ઉપરથી ગુલબાઈ ટેકરા આસપાસનો વિસ્તાર કળી શકાય છે. ફિલ્મના અમુક સીનમાં દર્શકોને સરસ પંચ લાગે છે તો અમુક સીન વધુ ઇફેક્ટિવ બની શક્યા હોત. જેમ કે શરૂઆતનો સીન ટ્રેલરમાં પણ બતાવવામાં આવે છે કે દીવાલ ઉપર જુદા જુદા ટાઈમ ઝોનની ઘડિયાળ જુદો જુદો સમય બતાવે છે. એમાં નાયકનો મિત્ર જ્યારે ઘડિયાળ જુએ ત્યારે ઘડિયાળની નીચે લખેલા શહેરોના નામના લેબલ દેખાતા ન હોત અને મોહન જ્યારે તે જુદા જુદા દેશની ઘડિયાળ છે એ સમજાવે ત્યારે રીપિટ શોટમાં જ તે લેબલ દેખાય તો જોક સરસ રીતે ડિલિવર થયો હોત. આવો જ એક તગડો સીન બની શક્યો હોત જ્યારે મોહન સરસ્વતી સામે બધું કન્ફેસ કરે છે. પણ એ કન્ફેશન સીનની શરૂઆત ફ્લેટ લાગી. તેની પહેલાં મોહન એના મિત્ર પાસે એવું બોલે છે કે આ બધામાં એણે સરસ્વતીનો સૌથી વધુ વિશ્ર્વાસ તોડ્યો. અંગત રીતે એવી આશા હતી કે તે જગ્યાએ મોહન એવું બોલે કે મેં સૌથી વધુ વિશ્ર્વાસ માસ્ટરજીનો તોડ્યો કારણ કે તાર્કિક રીતે એ જ સત્ય છે.
ફિલ્મના વાર્તાકથનમાં આવું નાનું નાનું અમુક છે જે ક્ષમસ્વ છંદદોષ જેવું લાગે, બાકી ફિલ્મ મજાની છે. ‘જેટલું જલ્દી પોતું કરીશ એટલા જલ્દી અમેરિકાના વિઝા મળશે’ – ભાડાના રૂમમાં પોતું કરતા મિત્રને મોહન આવું સંભળાવે છે. આ સંવાદમાં સટાયર પણ છે અને ઊંડાણ પણ અને મસ્તી પણ છે. સ્યુસાઇડવાળું તૂટેલું અને હજુ લટકી રહેલું દોરડું, મલ્હારની ગ્રામ વિસ્તારની ચાડી ખાતી મૂછો, રંગકર્મી કબીર ઠાકોરે પ્રસિદ્ધ કરેલા સ્ક્રેપયાર્ડના ઓપન-એર થિયેટરના રિહર્સલના દૃશ્યો, ગામડાંના લોકોનું આંદોલન, જેના ચહેરા ઉપર સખ્તી સાથે કોમળતા પણ દેખાય તેવો મોનલ ગજ્જરનો ચહેરો અને ગર્લ નેક્સ્ટ ડોર નેબર લાગે એવી તેની પર્સનાલિટી, પનામાના જંગલોમાં ઇલીગલ ઇમિગ્રન્ટ સાથે શું થાય એનું વાસ્તવિક વર્ણન, તે જ ઘોઘો મિત્ર ફરી પાછો ખોટી એસટી બસમાં બેસીને પાછો ફરે તે સીન, અમેરિકન વિઝા ઓફિસમાં ઇન્ટરવ્યૂ વખતે થતી સૂક્ષ્મ ધમાલ, મોરલીબેન અને ભાવિનીબેનના દૃશ્યો, ફિલ્મી ન લાગે એવા કોર્ટરૂમમાં ભજવાયેલા સરસ દૃશ્યો – આ બધી ફિલ્મની સારી મોમેન્ટ્સ છે જે ફેમિલી ઓડિયન્સને મજા કરાવે અને યંગસ્ટર્સ સાથે કનેક્ટ કરે. શુભ યાત્રા - Film Poster 2
મલ્હારે તેની બોડી લેંગ્વેજ ઉપર કામ સારું કર્યું છે. હજુ એ અમુક સીનમાં ક્યારેક ક્યારેક ટિપિકલ મલ્હાર (છેલ્લો દિવસ વાળો) લાગી જાય પણ ઓવરઓલ કામ સારું છે. ગ્લેમર અને કોમેડી વગરનો રોલ એ મલ્હારનો કંફર્ટ ઝોન ન કહેવાય અને માટે તેમના માટે ત્રણ તાળી! મોનલ પરાણે વહાલી લાગે એવી હિરોઈન છે. એકદમ એફર્ટલેસ. અર્ચનભાઈ, હિમેન, મગન, દર્શનભાઈ બધાનું કામ ઘણે અંશે સારું છે. ગીતો કેદાર ભાર્ગવે સારા બનાવ્યા છે. કેમેરાવર્ક એકંદરે સારું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાઉડ નથી. તમિલ ફિલ્મની રીમેક છે એટલે વાર્તાની ગૂંથણી અને સ્ક્રીનપ્લેમાં સીન પ્લેસમેન્ટ બરોબર થયા છે. ઓડિયન્સને ફીલ ગુડ કરાવે તેવી સરસ ફિલ્મ.

#gujaraticinema #shubhyatra #malharthakar #monalgajjar #moviereivew #shubhyatrareview #newmovie #newmoviereview #malharthakarfilm #shubhyatratrailer #shubhyatrafilm #shulbhyatrateaser #shubhyatrasong #cinegujarati

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More