બોલિવૂડ ડાયરી
બવાલ

’બવાલ’… ઘણા સમય પછી એવી ફિલ્મ આવી જે દિલને સ્પર્શી જાય અને ચહેરા ઉપર એક હળવું સ્મિત છોડીને જાય. પ્રયોગાત્મક અને નવીન વિષય. અલગ માવજત અને જુદી તરહની વાર્તા. વાર્તાનો પ્લોટ જૂનો પણ એકદમ પ્રસ્તુત. આજના સમયનો સાર્વત્રિક પ્રશ્ર્ન. તેનો જવાબ કેવી રસાળ અને રમૂજી રીતે ફિલ્મ આપે છે એ જોવા જેવું છે. ઇતિહાસના એક રક્તરંજીત પ્રકરણ સાથે સાંપ્રતની એવી સમસ્યાને જોડી છે જે દરેક ઘરસંસારમાં જોવા મળે છે. બીજા વિશ્ર્વયુદ્ધના બેકગ્રાઉન્ડમાં ભારતમાં ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મ બની છે. બીજા વિશ્ર્વયુદ્ધ વિશે આપણાં પાઠ્ય-પુસ્તકોમાં પણ બહુ ઊંડાણપૂર્વક ભણાવવામાં આવતું નથી. દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ બીજા વિશ્ર્વયુદ્ધની પશ્ર્ચાદભૂમાં વરુણ ધવન અને જ્હાનવી કપૂરને લઈને સરસ ફિલ્મ બનાવી છે. ગુજરાતીઓ માટે હરખની વાત એ કે એમાં આપણો જાણીતો સ્ટેન્ડ અપ કોમેડિયન કમ ગિટારિસ્ટ આરીઝ સૈયદ પણ છે.
લખનૌ શહેરના અજ્જુ ભૈયાની આ વાર્તા છે. અજ્જુ ભૈયા એટલે ટિપિકલ વરુણ ધવન. ફિલ્મની વાર્તામાં થોડું લોજિક નબળું લાગે એવું બને. પણ ફિલ્મનો હેતુ એટલો આદર્શ છે ને કે એ બધું નજરઅંદાજ કરવાનું મન થાય. અજ્જુ ભૈયા ફાંકા ફોજદારી કરીને પોતાની એક ઈમેજ જાળવી રાખે છે. પણ એની પર્સનલ મેરિડ લાઇફ ડામાડોળ છે. અંગત રીતે તે એકદમ ડરપોક, પુરુષવાદી અને અહંકારી છે. પત્ની સાથે સૂતા નથી કારણ કે પત્નીને આંચકીનો રોગ છે. પત્ની નિશા સહનશીલ છે અને અજ્જુ અકડું છે.
અજ્જુ ભૈયાથી એવું કંઇક થઈ ગયું કે તેની નોકરી જાય એમ હતી. ફરીથી માહોલ જમાવવા અને પોતાના શહેરમાં પોતાનો દબદબો જાળવવા તેણે લોકો અંજાઈ જાય એવું કંઇક કરવાનું વિચાર્યું. ટીચર એવા અજ્જુ ભૈયા યુરોપ જઈને એના વિદ્યાર્થીઓને બીજું વિશ્ર્વયુદ્ધ ભણાવવા માંગે છે. જેથી એની નોકરી ન જાય. તેની સાથે પરાણે આવે છે એની પત્ની નિશા.
યુરોપ જઈને તે બંને વચ્ચેના સમીકરણો નવો વળાંક લે છે. બીજા વિશ્ર્વયુદ્ધના સ્મારકો, કબ્રસ્તાન, ઐતિહાસિક સ્થળો અને ઘટનાના સ્થાનો ઉપર જઈને એવી એવી અનુભૂતિ તે બંનેને થાય છે કે તે બંને વચ્ચે લાગણીના નવા અંકુરો ફૂટે છે. પ્રવાસ તે બંનેના ખોરંભે ચડી ગયેલા લગ્નની દાસ્તાન બદલે છે. પણ આ પ્રવાસ જિંદગી ના મિલેગી દોબારા જેવો વેકેશન ટ્રિપ નથી. આ પ્રવાસમાં તો બીજા વિશ્ર્વયુદ્ધની કરપીણ યાદો ઉજાગર થાય છે. એ સમયે થયેલા હત્યાકાંડો અને ખુનામરકી અજ્જુ ભૈયાને અનુભૂતિ કરાવે છે કે તેનામાં કેટલી ખામીઓ છે. ઇતિહાસના શિક્ષક જ્યારે નજર સામે ઇતિહાસ જુએ છે ત્યારે તેનો વર્તમાન અરીસામાં દેખાય છે.
આપણે ત્યાં ટ્રાવેલ મુવિઝ ઘણી બની છે. ઈમ્તિયાઝ અલીએ હાઇવેથી લઈને જબ હેરી મેટ સેજલ સુધી ફિલ્મો બનાવી છે. તેમાં બંને પાત્રો પ્રવાસ કરે અને પોતાના વિશે ન જાણેલી વાતો જાણે છે. બવાલ ખૂબ સરસ રીતે એ પ્રસ્તુત કરે છે. દરેક માણસ યુદ્ધ લડતો હોય છે. દરેકની પરિસ્થિતિ યુદ્ધના મેદાન જેવી હોય છે. એમાંથી કઇ રીતે વિજેતા બનવું એ જે તે માણસના હાથમાં છે.
વરુણ ધવને સારું કામ કર્યું છે. જ્હાનવી કપૂર આ ફિલ્મમાં સહ્ય છે. મનોજ પાહવા અને અંજુમન સક્સેના પણ આ ફિલ્મમાં છે. ફિલ્મના ગીતો અને ખાસ તો ગીતોના શબ્દો સારા છે. યુરોપની વાસ્તવિક ટુર અમુક અંશે આ ફિલ્મમાં થાય છે. આ ફિલ્મની જેટલી ટીકા થાય છે એટલી ખરાબ ફિલ્મ નથી. તર્ક થોડા નબળા લાગે પણ ફિલ્મ એકંદરે સારી છે.


#bawaal #bawaalmovie #bollywoodmovie #hindifilm #varundhavan #jahanvikapoor

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More