– અભિમન્યુ મોદી
અમુક લોકો કિંગ હોય છે. કિંગને બધા જાણતા હોય છે, તેની પાસે સર્વોચ્ચ પાવર હોય છે. પણ કિંગ, કિંગ બને કઈ રીતે? બહુ જૂજ વ્યક્તિઓ કિંગ મેકર હોય છે. અભિલાષ ઘોડા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ સ્થાન ધરાવે છે. ગુજરાતી ફિલ્મો અને મનોરંજન ક્ષેત્રમાં કોઈ પણ સારી પ્રવૃત્તિ થાય, સારું પ્રોડક્શન થાય, સારી ઇવેન્ટ થાય એમાં અભિલાષ ઘોડા અગ્રસ્થાને રહે છે. તેમણે અનેક કલાકારો, કસબીઓ, પ્રોડક્શન હાઉસ અને ફિલ્મોને સહયોગ આપ્યો છે. કોરોનાકાળમાં તેમણે કરેલી સહાયસેવાઓ ઉપર તો અલાયદી સ્ટોરી થઈ શકે. પણ આજે વાત છે અભિલાષ ઘોડાના દુબઈ ખાતે યોજાઇ રહેલા ફિલ્મ એવોર્ડ સમારંભની.
યસ. અભિલાષભાઈ કંઈ પણ કરે એ મોટું કરે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એવોર્ડ સમારંભ દુબઈ ખાતે યોજાઇ રહ્યો છે. ગુજરાત અને મુંબઈના એકસાથે ત્રણસો કલાકારો દુબઈ જશે અને એવોર્ડ સમારંભની શોભા વધારશે. ત્રણ રાત અને બે દિવસ સુધી ત્રણસો કલાકારો દુબઈમાં રોકાણ કરશે અને દુબઈમાં રહીને વિશ્ર્વભરના ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રની તાકાત સાથે રૂબરૂ કરાવશે.
સિને ગુજરાતી સાથે અભિલાષ ભાઈએ અંગત રીતે વાત કરી. તેમણે જણાવ્યું કે ૨૦૨૧માં પચ્ચીસ ગુજરાતી ફિલ્મો રિલીઝ થયેલી અને ૨૦૨૨માં એકસો ગુજરાતી ફિલ્મો રિલીઝ થયેલી. આમાંથી કુલ મળીને અઠોતેર ગુજરાતી ફિલ્મોના નોમીનેશન દુબઈના એવોર્ડ સમારંભને મળ્યા છે. જુદી જુદી કેટેગરીને જ્યુરી જે તે કેટેગરીમાં જે તે ફિલ્મ કે કલાકાર – કસબીને તેમની શ્રેષ્ઠતા મુજબ એવોર્ડ આપશે. દુબઈના જગવિખ્યાત હોલિવુડ પાર્કમાં આ એવોર્ડ યોજાશે.
૧૯ મે ના રોજ યોજાનારો આ એવોર્ડ સમારંભ થોડા સમય પછી કલર્સ ગુજરાતી ચેનલ ઉપર પ્રસારિત થશે જેથી દર્શકો પણ આ શો માણી શકે. ગુજરાતી ફિલ્મોની એવોર્ડ ઇવેન્ટ માટે દુબઈ કેમ? આવો સવાલ અભિલાષ ભાઈને પૂછતા તેઓ જવાબ આપે છે કે હિન્દી ફિલ્મોના એવોર્ડ બીજા દેશોમાં યોજાઈ શકે તો ગુજરાતી ફિલ્મોના એવોર્ડ ફંકશન કેમ નહિ? અઢળક ગુજરાતીઓ દુબઈમાં વસે છે. પરદેશ વસતા ગુજરાતીઓ પણ ગુજરાતી ફિલ્મ જગતથી નજીક આવે અને ગુજરાતમાં રહેતા ગુજરાતીઓને પણ તેની માતૃભાષાની ફિલ્મ પ્રત્યે અહોભાવ જાગે. અભિલાષભાઈ કહે છે કે ગુજરાતીઓ આખી દુનિયામાં ફેલાયા છે તો દરેક મોટા શહેરમાં, દરેક દેશમાં એક ગુજરાતી ફિલ્મ એવોર્ડ ફંકશન થવું જોઈએ.
વળી વિદેશમાં ઇવેન્ટ યોજવાથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બીજી રીતે પણ ફાયદો થાય, નવા નવ પ્રોજેક્ટો મળવાની શક્યતા ઉભી થાય અને એક નવી માર્કેટ પણ ખૂલે. ગુજરાતી ચલચિત્રોનો દુનિયાભરમાં પ્રચાર પ્રસાર જરૂરી છે અને આ અવોર્ડ ઇવેન્ટ તેના માટે એક ઉત્તમ માધ્યમ બની રહેશે એવી અભિલાષા ઘોડા સાહેબે વ્યક્ત કરી છે.