જેના કંઠમાં ‘મા સરસ્વતી’નો વાસ છે, જેના સૂરોમાં સાકાર જેવી મીઠી મધુરી મીઠાશ છે અને જે સંગીતની દુનિયાની અપ્સરા છે… એ બીજુ કોઈ નહીં, પણ…. આપણી.. ગુજરાતી ગાયિકા ‘ઐશ્વર્યા મજમુદાર’ છે. સંગીતની દુનિયાની ઐશ્વર્યા એટલે ‘ઐશ્વર્યા મજમુદાર’.
હા, બાળપણથી જ સૂર અને સ્વરથી સૌ કોઈને મોહિત કરતી ઐશ્વર્યા…. ગુજરાતની એકમાત્ર એવી સિંગર છે કે જેમણે ૧૨થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં સૂરના કામણ પાથર્યા છે. તે જ્યારે તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, ભોજપુરી, પંજાબી જેવી વિવિધ ભાષાઓમાં ગીતો ગાય છે ત્યારે એમ જ લાગે કે.. તે.. જે – તે પ્રદેશની જ રહેવાસી હશે! હા, જે – તે પ્રદેશની લોકલ બોલી જેવા જ તેના સ્વરના ઉચ્ચારણોથી તમે અભિભૂત થઇ જાવ! આ વિશિષ્ટ કલાથી તેની સંગીત પ્રતિભામાં ચાર ચાંદ લાગ્યા છે. આમ પણ તે ‘ચાંદ’ જેવી જ.. મીઠી, મધુરી અને રૂપાળી છે.
દેશ વિદેશમાં ગીત, સંગીત અને અદાકારીના કામણથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરનાર ઐશ્વર્યા ઈંગ્લિશ અને સ્પેનિશમાં ખૂબ પ્રભાવક રીતે ગીતો ગાય છે. એટલું જ નહીં પણ તે ઈંગ્લિશ અને હિન્દી ગીતોનું ‘ફ્યુઝન’ જ્યારે સ્ટેજ પર રજૂ કરે છે ત્યારે.. દર્શકો વાહ વાહ પોકારી ઉઠે છે.
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે ‘ટુ ડીઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત એવોર્ડ’ મેળવનાર ઐશ્વર્યાનો જન્મ, સંગીતના સૂરોથી ગુંજતા એવા મજમુદાર ફેમિલીમાં ૧૯૯૩માં ઓક્ટોબરની પાંચમી તારીખે અમદાવાદમાં થયો હતો. માતા રીમાબેન અને પિતા તુષારભાઈ મજમુદારની સંગીત મહેફિલમાં નાનકડી એવી ઐશ્વર્યાએ ગીત ગાતા ગાતા જન્મ લઈને સંગીતની મહેફિલમાં જમાવટ કરી હતી. ઐશ્વર્યાના મમ્મી, પપ્પા બંને પ્રોફેશનલ સિંગર. તુષારભાઈએ ખયાલ ગાયકી તેમના ગુરુ શ્રી કૃષ્ણકાન્ત પરીખ પાસે શીખી હતી. જયારે ઐશ્વર્યાના દાદીમા રેનાબેન અને મમ્મી રિમાબેન બંને ‘સંગીત વિશારદ’ અને સંગીતના જબરા શોખીન. ઐશ્વર્યાને દાદીમા પાસેથી ખૂબ જ વ્હાલ સાથે પ્રોત્સાહન મળેલ છે. કોઈ પણ સફળતાનો યશ તે તેની વ્હાલસોયી દાદીમાને આપે છે. આજે જે કાંઈ છે તે માતા-પિતા અને દાદીમાના આશીર્વાદનું જ પરિણામ છે.
ઐશ્વર્યાને ગળથુથીમાં જ સંગીત રસ પીવડાવવામાં આવ્યો હશે કે જેથી તે.. બાળપણથી જ.. સંગીતમાં રસ ધરાવતી હતી. માત્ર ૩ વર્ષની વયે ઐશ્વર્યાએ ઘરમાં જ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. આ પછી પાંચ વર્ષની ઉંમર સુધીમાં તો ભારતીય શાસ્ત્રીય સંગીતના વિખ્યાત સંગીતજ્ઞ શ્રીમતિ મોનિકાબેન શાહ, શ્રી અનિકેત ખાંડેકર અને શ્રી ગૌતમ મુખર્જી પાસેથી તાલીમ લીધી અને.. સંગીતમાં જ કારકિર્દી બનાવવાનો શુભારંભ કર્યો. આ પછી કંઠય સંગીતની તાલીમ પુરુષોતમ ઉપાધ્યાય પાસેથી લીધી અને કંઠયને બરોબર ઘડવામાં આવ્યો.
છોટે ઉસ્તાદ, શાહુ મોડક, સંગીત રત્ન, ગુજરાત ગૌરવ જેવા માનવંતા એવોર્ડ મેળવનાર ઐશ્વર્યાએ માત્ર ૬ વર્ષની વયે સૌ પ્રથમ ફાઇનલ જીતીને સૌને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા! ઐશ્વર્યાએ ‘સારેગામાપા’નું ગુજરાતી વર્ઝન ‘ગુજરાતી શો’ની ફાઇનલ જીતીને સફળતાના શિખરો સર કરવાનો પ્રારંભ શરૂ કરી દીધો હતો. આ પછી સાત વર્ષની વયે ‘જી-સા રે ગા મા પા’માં ભાગ લીધો અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઐશ્વર્યાએ માત્ર ૧૨ વર્ષની નાની વયે પ્રખ્યાત શાહુ મોડક એવોર્ડ મેળવવાની સિદ્ધિ મેળવી હતી.
વિશ્ર્વાસ અને પ્રેમને સફળતાનો મંત્ર ગણતી ઐશ્વર્યાએ માત્ર ૧૧ વર્ષની વયે નાગપુર ખાતે સૌ પ્રથમ સોલો સ્ટેજ પોગ્રામ આપ્યો હતો અને એ ખૂબ સફળ રહ્યો હતો. આ પછી તો દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા અને સંગીત પ્રેમીઓની ચાહના મેળવી.
પોતાની યુ ટયૂબ ચેનલ, વીડિયો, આલ્બમ વગેરે દ્વારા લાખો ચાહકો ધરાવતી ઐશ્વર્યાએ દેશભરમાં ખરી ઓળખ ‘ઇન્ડિયન આઇડલ’થી ઊભી કરી હતી. માત્ર ૧૪ વર્ષની વયે ૨૦૦૭-૦૮માં મ્યુઝિકલ રિયાલિટી શો ‘અમુલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા’ની ફાઇનલ જીતીને ‘છોટે ઉસ્તાદ ’નું ગૌરવવંતુ બિરુદ ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચનના વરદ હસ્તે મેળવીને તે રાતોરાત દેશભરમાં લોકપ્રિય બની ગઈ હતી! સમગ્ર શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે હિમેશ રેશમીયાની ‘હિમેશ વોરિયર્સ’ ટીમમાં સંગીત કા મહા મુકાબલામાં પણ ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્યનો ‘શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો પુરસ્કાર ત્રણ વખત જીતનાર ઐશ્વર્યાએ સૌ પ્રથમ પ્લેબેક સિંગિંગ માત્ર નવ વર્ષની વયે ફેબ્રુઆરી -૨૦૦૩માં ગુજરાતી ફિલ્મ ‘ઘર મારું મંદિર’માં કર્યું હતું. ઐશ્વર્યા એ ૨૦૦૮માં હિન્દી ટી. વી. સિરિયલ ‘દિલ મિલ ગયે’ માટે થીમ ગીત ‘અસ્માની રંગ હું’ રેકોર્ડ કર્યું હતું. ઐશ્વર્યાએ પ્રથમ બોલીવુડ પ્લેબેક ગીત, જુલાઈ -૨૦૧૧માં ‘હરિ પૂતર : અ કોમેડી ઓફ ટેરર્સ’ ફિલ્મમાં કર્યું હતું. ૨૦૧૨માં ક્ન્નડ મુવી ‘એલે એલેંગે’ રેકોર્ડ કર્યું હતું. આ ૨૦૧૨ના વર્ષમાં અર્બન ગુજરાતી મુવી ‘કેવી રીતે જઈશ’માં ડો. રઈશ મણિયારની બે રચનાઓ ‘આ સફર’ અને ‘ભીની ભીની’ને સ્વર આપ્યો હતો. ૨૦૧૫માં ફ્રોઝન, ફ્રોઝન ફીવર અને ૨૦૧૭માં ઑલાફનું ફ્રોઝન એડવેન્ચર ફિલ્મોના હિન્દી ડબિંગ માટે અવાજ આપ્યો અને ગાયું પણ ખરું. હિન્દી ફિલ્મ રામલીલા મુવીમાં બેકગ્રાઉન્ડ સૂરના કામણ પાથર્યા હતા.
સ્વિમિંગ અને બેડમિન્ટન રમવાની શોખીન ઐશ્વર્યાએ સૌ પ્રથમ આલ્બમ ગૌરાંગ વ્યાસના નિર્દેશનમાં ગુજરાતી ભક્તિ ગીતોનો બહાર પાડ્યો હતો. આ પછી પલ્લવ, સ્વરા-ભિષેક, સાત સૂરોના સરનામે, વિદેશીની, નિરાલો મુકામ, સપના સાથે ઐશ્વર્યા, ઐશ્વર્યા નર્સરી રાઇમ્સ વગેરે આલ્બમો બહાર પાડ્યા.
અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરનાર અને નેશનલ યુનિવર્સિટી ઓફ ઓપન સ્કૂલમાં કોલેજ કરી ગ્રેજ્યુએટ થનાર ઐશ્વર્યા સ્ટેજ, ટી વી શોનું ખૂબ સરસ એન્કરિંગ કરે છે અને તેની સ્ક્રિપ્ટ પણ જાતે લખે છે. ઐશ્વર્યાએ ‘નચ બલિયે-૪’ માટે બે અઠવાડિયા એન્કરિંગ કર્યું હતું. આ ઉપરાંત સ્ટાર ટી વી માટે મમ્મી કે સુપર સ્ટાર્સ, એન ડી ટી વી – ઇમેજિન પર સ્પેશિયલ ‘હમ યંગ હિન્દુસ્તાની’, લિટલ સ્ટાર એવોર્ડ્સ -૨૦૦૮ અને હાર્મની સિલ્વર એવોર્ડ્સ -૨૦૦૮ સહિત અનેક શોનું એન્કરિંગ કરેલ છે.
સિંગિંગ, એન્કરિંગ અને સ્ક્રિપ્ટ રાઇટિંગમાં કૌશલ્ય ધરાવતી ઐશ્વર્યાને ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે’ પર તેમની સિદ્ધિઓ બદલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨૦૦૮માં ફેડરલ ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા પ્રશંશા કરવામાં આવી હતી. ઐશ્વર્યાને ન્યુયોર્કના ભારતીય સમુદાય દ્વારા અમેરિકન રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓગસ્ટ -૨૦૦૯માં ‘ઇન્ડિયા ડે પરેડ’ માટે ભારતીય રાષ્ટ્રગીત ગાયું હતું. યુ એસ એમાં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર પાર્ક ખાતે ૧૦૦,૦૦૦થી વધુ દર્શકો સામે બોલીવુડ ડાન્સ -હિટ ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ક્ન્નડ કાદરીમાં ઉત્કૃષ્ટ યુવા પ્રતિભા એવોર્ડ્સ -૨૦૧૧ મેંગ્લોર આપવામાં આવ્યો હતો.
સપ્તસૂરોની મલ્લિકા ઐશ્વયાએ… સખત મહેનત, પોતાની જાતમાં વિશ્ર્વાસ, ઈશ્ર્વરમાં શ્રદ્ધા, અને પોતાના કામ પ્રત્યેના પ્રેમને તેની સફળતાના પગલાં બનાવ્યા છે.