દીક્ષા જોશી વર્સેટાઈલ યુવા અભિનેત્રી

ઈન્ટરવ્યુ

ટૂંકા ગાળામાં દીક્ષા જોશીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી એવી સફળતા મેળવી છે. ‘સિને ગુજરાતી’ સાથે તેણે ફિલ્મી કરિયર, લાઈફ સ્ટાઈલ અને આગામી પ્રોજેક્ટ્સ અંગે દિલ ખોલીને વાત કરી હતી…
૨૦૧૭માં રિલીઝ થયેલી અને અમિત બારોટ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘શુભારંભ’ સાથે ફિલ્મ જગતમાં શુભારંભ કરનાર દીક્ષા જોશી આજે સફળતાનાં શિખરો સર કરી રહી છે.. તેના પ્રોફેશનલ વર્કની વાત કરીએ તો ફિલ્મ શુભારંભ બાદ એ જ વર્ષે એટલે કે ૨૦૧૭માં તેણે અન્ય બે ફિલ્મો ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ અને કલરબાજમાં અભિનય કર્યો હતો. ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ તેની પ્રથમ સફળ ફિલ્મ હતી. ત્યારબાદ તેણે મલ્હાર ઠાકર સાથે ‘શરતો લાગુુ’ ફિલ્મમાં લીડ રોલમાં કામ કર્યું.. જે વધુ એક સફળ ફિલ્મ રહી જેના માટે તેને જીફાનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તો ધૂનકી ફિલ્મમાં તે પ્રતીક ગાંધીના ઓપોઞિટ જોવા મળી.. આ ફિલ્મમાં પણ તેના અભિનયને વખાણવામાં આવ્યો અને આ ફિલ્મ માટે દીક્ષાએ બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક ચોઈસ એવોર્ડ મેળવ્યો..
૨૦૨૦માં દીક્ષાએ દુર્ગેશ તન્ના દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘લવની લવ સ્ટોરીઝ’માં નામની ભૂમિકા ભજવી હતી. તો પ્રતીક ગાંધી સાથે ‘વાલમ જાવોને’ ફિલ્મમાં પણ કામ કર્યું છે તો યશ સોની સાથેની ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં પણ તેના અભિનયના ખોબલે ખોબલે વખાણ થયા હતા. તેણે ફિલ્મ ‘લકીરો’માં પણ અદભૂત કામ કર્યું છે. તેણે ન માત્ર ગુજરાતીમાં પણ હિન્દી ફિલ્મમાં પણ હાથ અજમાવ્યો છે.. દીક્ષાએ દિવ્યાંગ ઠક્કર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ અભિનીત ‘જયેશભાઈ જોરદાર’ સાથે હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.
ફેમિલી બેકગ્રાઉન્ડ
દીક્ષાનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૯૨માં ઉત્તરપ્રદેશના લખનૌમાં માતા રશ્મિ જોશી અને પિતા હેમ જોશીના પુત્રીના રૂપે થયો હતો. તેના મમ્મી સિતાર વાદક રહી ચૂક્યા છે.. તો પિતા સાયન્ટિસ્ટ છે.. દીક્ષાએ સંગીતમાં વિશારદ કર્યું છે.. તેને પેન્ટિંગનો પણ શોખ છે.. દીક્ષા સિંગલ ચાઈલ્ડ હોવાથી તેને ફેમિલીનો ઘણો સપોર્ટ અને પ્રેમ મળ્યો છે. એવું કહેવાય કે દીક્ષાને જાણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ એક્ટિંગ માટે જ બોલાવી રહી હતી. કારણકે તેના ડેડની બદલી ગાંધીનગરમાં થતાં તેનો પરિવાર લગભગ ૧૯૯૭માં ગુજરાત આવી ગયો હતો. તો એક વર્ષ જેવું ગાંધીનગર રહીને તેે અમદાવાદ શિફ્ટ થઇ. દીક્ષાએ તેનું શાળાકીય શિક્ષણ અમદાવાદની એકલવ્ય શાળામાંથી મેળવ્યું જ્યારે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેણે બેચલર્સ અને અંગ્રેજી સાહિત્યમાં માસ્ટરનો અભ્યાસ પણ કર્યો છે.. દીક્ષાને બનવું હતું પ્રોફેસર અને બની ગઇ એક્ટર તે કેવી રીતે તે આજે તેની જોડેની વાતચીતમાં જાણીશું…

સિને ગુજરાતી : તમને ક્યારે એવું લાગ્યું કે હા હું આ જ ફિલ્ડમાં જઈશ..હું એક્ટિંગ જ કરીશ…?
દીક્ષા જોશી : નાનપણથી સ્કૂલમાં થિયેટર કરતી. હું ઈન્ટ્રોવર્ટ ભલે હતી પણ એવું કહેવાય કે સ્ટેજના કારણે હું ખુલી જતી. મને પહેલેથી હતું કે હું આગળ કંઈક કરીશ તો પરફોર્મિંગ આર્ટ્સને રિલેટેડ જ કંઈક કરીશ. સાથે મને લખવું પણ બહુ ગમતું, મને ડિરેકટ કરવું અને પર્ફોર્મ કરવું પણ ગમતું.. મને લખવાની ઈચ્છા હતી.. એવી ઇચ્છા હતી કે પ્રોફેશનમાં હું રાઇટર બનું અને સાઈડમાં થિયેટર કરું.. મને નાનપણથી ઇન્ટરનેશનલ સિનેમામાં ઘણો રસ હતો.. એટલે સ્કૂલ ટાઈમથી જ હતું કે આગળ આવું જ કંઈક કરવું છે. મેં મારું પહેલું પર્ફોર્મન્સ પહેલા ધોરણમાં કર્યું જેમાં મેં પોએટને નરેટ કરી હતી. બધાને ઘણું જ પસંદ આવ્યું હતું.. આમ સ્કૂલમાં ઘણા બધા નાટકો કર્યા.. જેમ કે રોમિયો-જ્ુલિયેટ, મર્ચન્ટ ઓફ વેનિસ, ટેમિંગ ઓફ ધ સ્ક્રૂ. બાદ કોલેજમાં યુથ ફેસ્ટિવલ માટે પણ હિન્દી નાટકો કર્યા. ત્યાંથી જ મને એક્સપરિમેન્ટલ હિન્દી અને ઇંગ્લિશ નાટકો મળવાના શરૂ થઇ ગયા હતા… સાચું કહું તો મેં કદી એક્ટિંગ ફિલ્ડમાં મેઈન સ્ટ્રીમ આવવાનું વિચાર્યું જ નહોતું.. પણ અત્યારે હું આ ફિલ્ડમાં મેઈન સ્ટ્રીમમાં જ છું.. હું મારી જાતને ઘણી લકી માનું છું.

સિને ગુજરાતી : તમને તમારી લાઈફની પહેલી ફિલ્મ ક્યારે મળી ?
દીક્ષા જોશી : હું કોલેજમાં હતી અને ઓડિશન માટે લોકો બોલવતા પણ એ વખતે પણ હું સ્યોર નહોતી કે મારે મેઈન સ્ટ્રીમમાં કામ કરવું છે કે નહિ.. હા મેં એ વખતે ફિલ્મ ‘બે યાર’ જોઈ હતી અને એ જોઈને પણ લાગ્યું કે ઘણી સારી ફિલ્મ્સ બની રહી છે.. પછી મેં ઓડિશન્સ આપવાનું શરૂ કર્યું. મેં ચાર-પાંચ ઓડિશન્સ આપ્યા અને પછી મને શુભારંભ મળી.. પછી તો એક બાદ એક ફિલ્મ મળતી રહી તો મને એ વિચારવાનો સમય જ ન મળ્યો કે મારે આ કરવું હતું કે નહોતું કરવું.. એ ૨૦૧૬-૧૭ની વાત છે.. એ વખતે મારી ઉંમર પણ નાની હતી એટલે મને બધા કહેતા જે મળે એ કરી લેવાનું… અને એ સારી રીતે કરી લેવાનું. એટલે મારું માઈન્ડ સેટ એ રીતે કર્યું.

સિને ગુજરાતી : પહેલી વખત તમે જ્યારે કેમેરો ફેસ કર્યો તો તમને કેવું લાગ્યું હતું?
દીક્ષા જોશી : પહેલી વખત મેં જેની ઓફર આવી એ એનઆઇડીની બે શોર્ટ ફિલ્મ્સ કરી હતી.. હા મને ટેક્ધિકલી નહોતી ખબર જે હું અત્યારે શીખી છું.. પણ હા, હું કેમેરા સામે કોન્શિયસ નહોતી થઇ.. કદાચ એ થિયેટરના કારણે હશે કે શું એ મને નથી ખબર. પણ એ ડર મને નહોતો..
એ પછી તો મેં એનઆઈડીની બે ડિપ્લોમા ફિલ્મ કરી છે, હમણાં એફટીઆઈઆઈની એક ડિપ્લોમા ફિલ્મ કરી.. લાસ્ટ યર એક ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ કરી જે ભાવનગરની હિમાદ્રિ પરમાર કરીને એક છોકરી છે એણે ડિરેકટ કરી છે.. તો લાસ્ટ યર અભિષેક જૈનની મિસિંગ કરીને ઓહો માટે એક વેબ સિરીઝ કરી છે જે આ વર્ષે કદાચ રિલીઝ થશે.. આ બધા જ પ્રોજેક્ટ છે એમાં મને જે શીખવા મળ્યું છે અને જેમાં કોલાબ્રેટિવ એફર્ટસથી કેવી રીતે કામ થાય એ જોવા મળ્યું.. જેમાં ડિરેક્ટર પણ સ્પોટ બોયનું કામ કરે છે. તો આવા વાતાવરણમાં કામ કરવામાં મને ઘણો રસ પડે છે.. મારી પણ જે ફિલ્મ હશે એ આવી રીતે જ બનાવીશ.. તો મેં થીયેટરમાં હારોલ્ડ પ્ન્ટિેરનું બિટ્રેયલ કરીને એક નાટક છે જે મેં ભજવ્યું છે.. થીયેટરની પણ એની એક મજા છે.

સિને ગુજરાતી : તમને ઘરેથી કેવો સપોર્ટ રહ્યો ?
દીક્ષા જોશી : મને મારા મોમ -ડેડે કહ્યું હતું કે તું જે કરવું હોય એ કર પણ એવું ના કરીશ કે તું કંઈક કરે પણ અધૂરા મને કરે.. મારી આ જર્ની ઘણી લાંબી રહી છે એવું કેમ એ કહું તો કોઈ પણ સામાન્ય વ્યક્તિને કોઈ એક વસ્તુમાં રસ હોય તો તેને ખબર હોય કે આગળ જઈને તે તેમાં આગળ વધશે. પણ મારા કેસમાં અલગ હતું.. મારા કેસમાં એવું હતું કે મને સિંગિંગમાં શોખ છે, લખવાનો ને પેન્ટિંગનો પણ શોખ છે.. એક્ટિંગ અને ડિરેકિ્ંટગમાં પણ ઘણી રૂચિ છે.. તો મારા મમ્મી -પપ્પા કન્ફ્યુઝ હતા કે આ આગળ જઈને શું કરવાની છે.. હું આ ઘણી આર્ટિસ્ટિક ટાઇપની માણસ છું… જો કે હવે તો હું આ ૨-૩ વર્ષથી એક્ટિંગમાં એટલી ડીપલી ઇન્વોલ્વ થઇ ગઈ છું કે મારે આગળ જઈને વર્કસશોપ્સ પણ કરવા છે, મારે બાળકોને એક્ટિંગ શીખવાડવી છે. મને એવું લાગે છે કે હું એક્ટિંગને એક અલગ જ નજરથી જોઈ રહી છું.

સિને ગુજરાતી : તમે ગુજરાતી નથી છતાં ગુજરાતી ફિલ્મમાં કામ કરો છો, તમને ગુજરાતી શીખતાં કેટલી વાર લાગી ?
દીક્ષા જોશી : સાચું કહું તો… મેં મારા ફ્રેન્ડ્સને કહ્યું કે મને ઓડિશન્સ આવી રહ્યા છે, મને ગુજરાતી નથી ફાવતું. તો મેં કહ્યું કે હવે તમે મારી જોડે ગુજરાતીમાં જ વાત કરજો.. અને પછી ધીમે ધીમે આવડવા લાગ્યું અને હવે તો એવું થયું છે કે જેમની જોડે હું પહેલાં હિન્દીમાં વાત કરતી એમની જોડે હવે ગુજરાતીમાં જ વાત કરું છું.. અને હું ઘણી ખુશ છું કે મારી લાઈફમાં આવું થયું છે.. પહેલાં મને લાગતું હતું કે હું આ ઈન્ડસ્ટ્રિઝમાં કઈ રીતે ફિટ થઈશ, મારું આ બેકગ્રાઉન્ડ જ નથી.. પણ હજુ મને એ વિશ્ર્વાસ નથી થતો કે લોકોએ મને આટલી બધી પસંદ કરી છે.. મને રોજ મેસેજ આવે છે તમે ગુજરાતી જ છો.. એનાથી ઘણી ખુશ થાઉં છું.. મારે એક ગુજરાતી ફિલ્મ એવી કરવી છે જે ગુજરાતી લિટરેચર પર હોય અને તેમાં ગુજરાતીના અઘરા-અઘરા શબ્દો હોય.. મને લાગે છે એનાથી મને વધારે આવડશે… એવું હું માનું છું.

સિને ગુજરાતી : તમારે ફ્યુચરમાં ફિલ્મ બનાવવી છે.. તો તમારે કેવી ફિલ્મ બનાવવી છે ?
દીક્ષા જોશી : મારે સ્પેશિયલી નોન કમર્શિયલ -ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ બનાવવી છે જે નાના બજેટમાં બને.. અને આવી ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જાય છે.. આપણને ઘણી વખત જે લોકો મળે છે એમાંથી ઘણા ઇન્ટરેસ્ટિંગ હોય છે બસ એવા લોકો પર જ મારે ફિલ્મ બનાવવી છે.. મારી અંદરથી એવી ઈચ્છા છે કે હું નોન-એક્ટર્સ સાથે કામ કરું.. એક ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ લાસ્ટ યર કરી, જેમાં નોન-એક્ટર્સ હતા. મેં જોયું કે એ લોકો ઘણું સરસ પરફોર્મ કરે છે કેમ કે તેમને પરફોર્મર્સનું પ્રેશર નથી હોતું.. તમે જો કોઈ કેરેક્ટર ઓરિયેન્ટેડ લખતા હોવ તો તમને એ પર્ટિક્યુલર કેરેક્ટર જોઈએ. ફોર એક્ઝામ્પલ, મમ્મીના કેરેકટર માટે હું જો મારા જ મમ્મીને કાસ્ટ કરું તો તે સારી રીતે એક્ટ કરી લેશે.. એટલે અમને એવા નોન-એક્ટર્સ સાથે એક્ટિંગ કરાવવાની ઈચ્છા છે..

સિને ગુજરાતી : તમારો સંઘર્ષનો સમય કેવો હતો ?
દીક્ષા જોશી : મને એવું લાગે છે કે સ્ટ્રગલ એ ઓનગોઈંગ પ્રોસેસ છે.. અને હું માનું છું કે જો તમે અંદરથી સ્ટ્રોન્ગ હશો કે તમારી એનર્જી હાઈ હશે તો તમે જલ્દી રિકવર કરશો.. સ્ટ્રગલ એ ઘણી ઇન્ટરનલ વસ્તુ છે જે ક્યારેય પૂરી જ નથી થતી.. આજે આપણને લાગે કે મુકેશ અંબાણીને કોઈ સ્ટ્રગલ નહિ હોય.. પણ ના, એમને પણ એટલી જ સ્ટ્રગલ હશે.. એટલે કે આપણે બસ સ્ટ્રગલને જોવાની રીત બદલવી પડશે.. સંઘર્ષને આપણે એક પાર્ટ ઓફ લાઈફ લઈશું તો એ જલ્દી પાર પડી જશે..
સિને ગુજરાતી : તમારી ફેવરિટ બુક કઈ છે ?
દીક્ષા જોશી : મારે લાઈફમાં અલગ અલગ ફેઝીઝ આવતા હતા.. પહેલાં મને હેરી પોટર ગમતી હતી, જો કે અત્યારે પણ ગમે જ છે! પણ.. એક ટાઈમ એવો હતો જ્યારે હું નોનફિકશન વાંચી જ નહોતી શકતી.. અને હવે બાયોગ્રાફી અને સ્પિરિચ્યુઅલ વાંચવું ગમે છે.. જોકે હજુ પણ ફિકશનલ બુક બહુ જ ગમે છે..

સિને ગુજરાતી : તમે કોઈ પણ એક કેરેક્ટર ભજવવા કેટલી મહેનત કરો છો?
દીક્ષા જોશી : આમ તો બધા જ કેરેક્ટર ભજવવા માટે એક્ટરને મહેનત તો કરવી જ પડે છે, પણ એક તો વેબ સિરીઝ મિસિંગ માટે હું કહેવા માંગીશ કે તેને અભિષેક જૈન અને દિવ્યા મેમે લખ્યું છે.. એમાં સખત મહેનત લાગી છે.. આ પ્રોજેક્ટમાં મારી સાથે યસ સોની પણ છે.. આની સ્ક્રિપ્ટ જ એવી હતી કે તે કેરેક્ટરમાં ઇન્વોલ્વ થવાનો ટ્રાય કરવો જ પડે. એ કેરેટરની એનર્જી એટલી હતી કે તે આપણામાં લાવવા માટે મહેનત માંગી લે તેવું કામ હતું.. એ સિવાય મેં એક ઇન્ડિવિજ્યુઅલ ફિલ્મ ‘રુજ’ કરી જેમાં ૨ વખત અમે શૂટ માટે ગયા હતા પણ નહોતી થઇ શકી અને ત્રીજી વખત અમે ગયા શૂટમાં જેનો અલગ સ્ટ્રગલ રહ્યો.. બીજી એક ફિલ્મની વાત કરું તો એ હતી કરશનદાસ પે એન્ડ યુઝ.. જેમાં ગુજરાતી ભાષા અને એમાં પણ તે તળપદી ભાષા જે મેં કદી સાંભળી પણ નહોતી.. એમાં ૨૦ દિવસ જેવું રિહર્સલ અને વર્કશોપ્સ રહ્યા. એમાં તો મેજરલી ક્રેડિટ ગોઝ ટુ કેડીભાઈ. તેમણે મને આ કેરેકટર અચિવ કરવામાં ઘણી જ હેલ્પ કરી હતી..

સિને ગુજરાતી : હિન્દી ફિલ્મ જયેશભાઇ જોરદારમાં તમને કેવી રીતે અપ્રોચ કરાયો હતો. તમે આગળ બોલીવુડમાં જવા માંગશો ?
દીક્ષા જોશી : આ ફિલ્મમાં રણવીર સિંહની બહેનનું કેરેક્ટર મેં ભજવ્યું છે.. બેઝિકલી બોલીવુડમાં બ્રેક મળવો જ બહુ મોટી વાત છે, પણ એના ઉપર પણ મને એવી ફિલ્મ મળી જે વુમન ઓરિએન્ટેડ છે.. એમાં પણ મારું કેરેકટર ઓફબિટ હતું.. એટલે અમને થયું કે આ બધી જ યુનિવર્સની સાઈન છે.. આ ફિલ્મ માટે મને દિવ્યાંગનો કોલ આવ્યો હતો… મેં રણબીર સિંહની વાઇફના રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તમે નહિ માનો પણ આ ફિલ્મ માટે મેં ૬ કલાક જેટલું ઓડિશન આપ્યું હતું.. પછી તો હું ભૂલી ગઈ હતી. પણ પછી એક દિવસ દિવ્યાંગે મને કોલ કર્યો.. અને એણે કહ્યું કે રણવીરની વાઈફ માટે તો નથી થયું તારું પણ તેની બહેનના રોલમાં તને સિલેક્ટ કરી છે.. અને તે ડિફરન્ટ કેરેક્ટર હતું.. મને તમે બોલીવુડમાં જવા માટેનો સવાલ કર્યો છે તો હું કહીશ કે હું પંકજ ત્રિપાઠીનું ઉદાહરણ આપીશ.. એમણે એવી રીતે સ્ટાર્ટ નથી કર્યું.. સો આઈ ડોન્ટ માઈન્ડ. મારી જર્ની લોન્ગ હોઇ, હું ફોર્ટીઝમાં આવીશ ત્યારે મને લીડ મળવાનું શરૂ થાય કદાચ. ત્યારે મને ગ્લેમર્સ રોલ ન પણ મળે. અને હું એવું માનું છું કે લીડ રોલ કરતાં પણ ઘણા એવા કેચી કેરેક્ટર્સ હોય છે જે બધા યાદ રાખે છે..

સિને ગુજરાતી : તમને બાયોપિક કરવાની ઈચ્છા છે તો તમે કોનું પાત્ર ભજવવા માંગશો ?
દીક્ષા જોશી : મારે એવી વ્યક્તિનું પાત્ર ભજવવું છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં ન હોય.. મને ફેમસ ફિમેલ ફોટોગ્રાફર હોમી વ્યારાવાલાનું પાત્ર ભજવવું છે.. કેમ કે તે એવા ફોટોગ્રાફર હતા જ્યારે મહિલાઓ ઘરનું કામ કરતી હતી.. આપણે વિચારી પણ નથી શકતા કે એ વખતે કેવી પરિસ્થિતિ હતી.. મને એમનું પાત્ર ભજવવાની મજા આવશે..

સિને ગુજરાતી : તમે શું મેસેજ આપવા માંગો છો?
દીક્ષા જોશી : હું કહેવા માંગુ છું એવા લોકોને જે માત્ર ફેમસ થવા એક્ટર બને છે.. હું કહીશ કે કે જો ફેમસ થવું હોય તો એકત્ર ન બનતા.. એક્ટિંગ અલગ પ્રેમ હોવો જોઈએ. મને આજે કોઈ કહે કે તું એક્ટિંગ છોડી દે હું તને કરોડો રૂપિયા આપીશ પણ હું નહિ છોડી શકું. એ પેશન અને એ પ્રેમ હોવો જોઈએ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More