દૂરદર્શન ગિરનારની અદભૂત શ્રેણી ગઝલ ગુર્જરી ગુજરાતી ગઝલના દોઢસો વરસના ઈતિહાસને રંગીન અને સંગીન રીતે શબ્દ અને સૂરની જુગલબંદીથી રજૂ કરતી શ્રેણી છે. ગઝલ ગુર્જરીની સીઝન ૧ માં કલાપી યુગના ગઝલકારોથી શરૂ કરીને મરીઝ, ઘાયલ, બેફામ, શૂન્ય પાલનપુરી, ગની દહીંવાલા સહિતના ગુજરાતી ગઝલના સુવર્ણ યુગના શાયરોની જીવનગાથા લોકલાડીલા ગઝલકાર રઈશ મનીઆરે એમની આગવી શૈલીમાં રજૂ કરી છે. રૂપિન શાહ નિર્દેશિત આ શ્રેણી શૌનક પંડ્યા, અમન લેખડિયા, ધ્વનિત જોશી, માનસી દેસાઈ, દેવેશ દવે, રાઘવ દવે, મનીષા દવે, પ્રહર વોરા, મયૂર ચૌહાણ તેમ જ નીરવ વૈદ્ય જેવા યુવા ગાયકોની ગઝલગાયકીથી સુશોભિત છે. દિગ્ગજ કવિઓની સાથે ૧૩ જેટલા યુવા કવિઓની ગઝલો પણ આ શ્રેણીમાં પ્રસ્તુત થઈ છે. રઈશ મનીઆર આલેખિત આ શ્રેણી એક તરફ આર્કાઈવલ મૂલ્ય ધરાવે છે તો બીજી તરફ કલારસિકોને સંપૂર્ણ મનોરંજનની ખાતરી આપે છે.