અદ્ભુત ‘હિંગોળગઢ’ ! પ્રકૃતિ અંગેનું શિક્ષણ આપતું ગુજરાતનું એકમાત્ર અભ્યારણ્ય જ્યાં આવી દુર્લભ વન્યસંપતિ જોવા મળે છે…

ટ્રાવેલ
Hingolgadh - હિંગોળગઢ

vishal thakur - હિંગોળગઢ

વન્યજીવ અભયારણ્ય હિંગોળગઢ  – નાનો પણ મહત્વની પ્રાકૃતિક વિરાસત ધરાવતો વિસ્તાર

૧૯૮૦માં હિંગોળગઢને અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો જે ૬૫૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. ભારત દેશમાં સૌથી પહેલાં પ્રકૃતિ શિક્ષણ શિબિરની શરૂઆત અહીંથી જ કરવામાં આવી હતી. આ એની અદભૂત જૈવિક વિવિધતાના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ઘણું પ્રખ્યાત છે.

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલ હિંગોળગઢ વન્યજીવ અભિયારણ્ય વિશે વાત કરીએ તો આ અભયારણ્યનું નામ અહીંના રાજવી શાસન વખતના ગઢ અને ગામ હિંગોળગઢ પરથી રાખવામાં આવ્યું છે. વીંછિયાથી જસદણ જતા આ અભયારણ્ય વચ્ચે આવે છે. ભારત દેશમાં સૌથી પહેલાં પ્રકૃતિ શિક્ષણ શિબિરની શરૂઆત અહીંથી જ કરવામાં આવી હતી. આ અભયારણ્ય નાનકડું હોવા છતાં એની અદભૂત જૈવિક વિવિધતાના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ઘણું પ્રખ્યાત છે. શહેરથી દૂર એકાંત અને શાંત સ્થળે આવેલું હોવાથી આ સ્થળ પ્રકૃતિને માણવા માંગતા તથા પ્રકૃતિ શિક્ષણ મેળવવા માંગતા વિઘાર્થીઓ માટે પસંદગીનું સ્થળ છે.

હિંગોળગઢ ગામ કૃષિ પ્રધાન અને પશુપાલન ધરાવતું ગામ છે જ્યાં ઘઉં, રજકો, કપાસ, જીરું, ચણા, બાજરી, મગફળી, તલ અને કપાસની ખેતી થાય છે. ગાયના દૂધની પણ સારી આવક આ ગામ પૂરી કરે છે. આ ગામમાં મુખ્યત્વે કાઠિયાવાડી ગુજરાતી ભાષા બોલાય છે. ગામથી નજીક જ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે જેનું સંચાલન ગાંધીનગર ખાતે આવેલ ગીર ફાઉન્ડેશન (Gujarat Ecological Education and Research (GEER) Foundation) દ્વારા કરવામાં આવે છે. રકાબી જેવો આકાર ધરાવતું આ અભયારણ્ય આ વિસ્તારમાં અલગથી અને તરત જ ઓળખમાં આવી જાય છે. આ જંગલ વિસ્તાર સૂકા પાનખર પ્રકાર ધરાવે છે એટલે આખા વરસ દરમિયાન આ વિસ્તાર સૂકું અથવા કોરું રહે છે. પણ વરસાદમાં આ જંગલ વિસ્તાર ખીલી ઉઠે છે. અભયારણ્ય જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર મોતીસરી વીડી તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજવી પાસે હતો. ૧૯૭૩માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો. વર્ષ ૧૯૭૩માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યાર બાદ વર્ષ ૧૯૮૦માં તેને અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય ૬૫૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ વિસ્તારની પ્રાકૃતિક વિવિધતાને ધ્યાનમાં લઈને આ અભયારણ્યને પ્રકૃતિ શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું, ત્યારબાદ આવી પ્રકૃતિ શિક્ષણ શિબિર સમગ્ર ગુજરાતના વન્યજીવ અભયારણ્યમાં શરૂ કરવામાં આવી. આજે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે લગભગ ૯૦૦ પ્રકૃતિ શિક્ષણ શિબિરો થાય છે જેનો શ્રેય હિંગોળગઢના રાજવી સ્વર્ગીય શ્રી લવ કુમાર ખાચર સાહેબને જાય છે. BBCની દસ્તાવેજી ફિલ્મમાં શ્રી લવ કુમાર ખાચર સાહેબને ભારતના પ્રકૃતિ શિક્ષણના અગ્રણી (Pioneer of Nature Education of India) તરીકે બિરદાવવામાં આવ્યા છે.

Hingolgadh Map - હિંગોળગઢ
આ અભયારણ્યમાં વનસ્પતિ અને ઔષધિ વનસ્પતિનો ખજાનો છે જેને જોવા અને જાણવા અને અભ્યાસ કરવા ઘણા બધા વનસ્પતિશાસ્ત્ર ભણતા અને કામ કરતા વૈજ્ઞાનિકો અને જાણકારો અહીં આવતા હોય છે. ગીર ફાઉન્ડેશનની માહિતી પ્રમાણે આ અભયારણ્યમાં વનસ્પતિની ૧૫૫+ જાતો, ૩૧ પ્રકારની ઘાસની જાત, ૨૧ પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ, ૩૩ જાતના સરિસૃપ અને એમાં પણ ૧૮ જાતના સાપ, ૮ પ્રકારના ઉભયજીવી, ૨૩૦+ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. અગાઉ જણાવ્યું એમ, આ વિસ્તાર ઔષધીય વનસ્પતિની વિવિધતા ધરાવતો વિસ્તાર છે. અહીંયા વીકળો, બિલી, ગૂગળ, ગળાનો વેલો, વજ્રદંતી, આવળ, મિંઢળ, ગોરડ, સંખપુષ્પી, પિલું, રોહિડો, કસેડા, સફેદ મૂસળી, ઇંગોરિયા, હાડ સાંકળ, ફાફડા થોર, બહેડા, ચણોઠી , સાટોડી, ખપાટ, અમરવેલ, સાદડ જેવી મહત્વની વનસ્પતિઓ જોવા મળે છે. દેશી બાવળ, ગોરડ બાવળ, હરમી બાવળ, ગાંડો બાવળ, ખેરી બાવળ જેવા ૭ જુદી જુદી જાતના બાવળ પણ અહીંયા જોવા મળે છે.

Hingolgadh View - હિંગોળગઢ

વનસ્પતિ પછી અહીં સૌથી વધુ વિવિધતા અહીંયાના પક્ષી જગતની છે. ભારતના પક્ષીવિદ સ્વર્ગીય ડો. સલીમ અલી આ અભયારણ્યમાં પક્ષીઓની ઓળખ માટે આવતા હતા. ડો. સલીમ અલી અને શ્રી લવ કુમાર ખાચર દ્વારા પક્ષીઓ પર કરવામાં આવેલ શોધખોળનું વિવરણ આપ બંને મહાનુભાવોના પુસ્તકોમાં વાંચી શકો છો. આના પરથી જ હિંગોળગઢ પક્ષીઓ માટે કેટલું મહત્વનું છે એનો અંદાજો આવી જાય છે. આ અભયારણ્ય વરસાદમાં વધુ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આ અભયારણ્ય રાજ્યમાં પ્રખ્યાત હોય તો તે ઋતુ દરમિયાન ઉતર ભારતના હિમાલય ક્ષેત્રથી આવતાં ઋતુ પ્રવાસી પક્ષી “નવરંગ” (Indian pitta) માટે. વર્ષોથી આ પક્ષી ગુજરાતના પક્ષી પ્રેમીઓને પોતની તરફ આકર્ષે છે. પક્ષી પ્રેમીઓની સાથે સાથે વન્યજીવ અથવા પક્ષીઓના તસવીર પ્રેમીઓ માટે પણ આ જગ્યા પ્રખ્યાત છે. નવરંગ પક્ષી વરસાદની શરૂઆતમાં અહીં આવીને પ્રજનન કરી માળા બાંધે છે જેને જોવા અને પોતાના કેમેરામાં કંડારવા ઘણા પ્રકૃતિપ્રેમીઓ અહીંયા દિવસો સુધી ધામો નાખે છે. નવરંગ અભયારણ્ય તરીકે જ આ સમગ્ર ગુજરાત રાજ્યમાં નામના ધરાવે છે. સુગરીના માળાઓની રચના જોવા અને સમજવા માટે પણ આ સ્થળ યોગ્ય છે. શોબીગી નામના પીળા અને કાળા કલર ધરાવતા પક્ષીઓ આ અભયારણ્યની સુંદરતામાં વધારો કરે છે. પીળક, માર્શલની શોબિગી, કલકલિયો, દુધરાજ, ચાતક, અધરંગ, નાનો અને કાબરો રાજાલાલ, પચનક અને કાઠિયાવાડી લટોરો, ટુક ટુક કંસારો, કાકડિયો કુંભાર, કોયલ, બપૈયો, સીરકીર કોયલ, ફડક ફૂત્કી, સફેદ છાતી સંતાકૂકડી, દશરથીયું, શકરો બાજ, મધિયો બાજ, ચીબરી જેવા ઘણા સ્થાનિક અને યાયાવર પક્ષીઓ અહીંયા સામાન્ય રીતે જોવા મળે છે જેમાંથી ઘણા પક્ષીઓ અહીંયા પ્રજનન કરી પોતાનો વંશવેલો આગળ વધારે છે.

Hingolgadh Birds - હિંગોળગઢ

પ્રાણીઓમાં અહીંયા મુખ્યત્વે કોઈ મોટા પ્રાણીઓની હાજરી નહિવત છે પણ ક્યારેક અહીંયા દીપડો દેખાવાની વાત મળતી રહે છે. આ અભયારણ્યમાં ચિંકરા નામનું મૃગ સારી રીતે સંરક્ષિત છે. એ સિવાય અન્ય મૃગકુળમાં નીલગાય અહીંયા મોટા તૃણાહારી પ્રાણી તરીકે જોવા મળે છે. કૃદંત વર્ગમાં અહીંયા શાહુડી અને જંગલી સસલા જોવા મળે છે એ સિવાય ભારતીય વણીયર, નોળિયા, શેળો, શિયાળ જેવા નાનાથી મધ્યમ કદના પ્રાણીઓની અહીંયા નોંધપાત્ર હાજરી જોવા મળે છે.

અહીંનું સરિસૃપ અને કિટક જગત પણ ઘણું મહત્ત્વનું છે, ગળું ફુલાવીને માદાને આકર્ષિત કરતો અથવા અન્ય નરને ચેતવણી આપતો સરડો (Fan throated lizard), પાટલા ઘો, કાચિંડો, ઝાડ પર રહેતી ગરોળી જેવા સરિસૃપ અહીંયા સામાન્ય છે, પીળો અને કાળો વીંછી પણ અહિયાં ઘણો સામાન્ય છે. પક્ષીઓમાં નવરંગની જેમ સરિસૃપોમાં આ અભયારણ્યમાં ભારત દેશમાં જોવા મળતા ચાર મુખ્ય ઝેરી સાપો પૈકી એક ફૂરસો અથવા પૈડકું (Saw-scaled viper) બહુ જ સામાન્ય છે. ખડકાળ અને પથરાળ વિસ્તાર આ સાપને આદર્શ નિવાસ સ્થાન પૂરું પાડે છે. આ સાપ નિશાચર છે એટલે રાત્રે તમને આ સાપ અભયારણ્ય અને અભયારણ્યની આસપાસ સામાન્ય રીતે જોવા મળી જશે. ભારત સિવાય સમગ્ર એશિયા ખંડમાં સૌથી ઝેરી ગણાતો કાળોતરો (Common krait)  સાપ ફુરસા પછી અહીંયા ઘણો સામાન્ય છે. વર્ષ ૨૦૦૩થી ૨૦૦૮ દરમિયાન હું અહીં પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં પ્રશિક્ષક તરીકે કામ કરતો ત્યારે શિબિર સ્થળેથી રાત્રી દરમિયાન ઘણી વાર હું કાળોતરા, ફૂરસા અને વીંછી પકડીને જંગલમાં મૂકી આવતો હતો. મને વીંછી દંશનો અનુભવ પણ અહીંયા જ થયો હતો જે ઘણો પીડાજનક હતો, એ અનુભવ પછી મેં સાપ અને વીંછી બચાવ કરવાની મારી પદ્ધતિમાં ફેરફાર કર્યા હતા.

આ અભયારણ્યમાં ભીમકુઈ નામની જગ્યા છે જે અભયારણ્યમાં ભિમકુઈ ઈકો ટુરિઝમ તરીકે ઓળખાય છે. આ વિસ્તારની આસપાસ પ્રવાસીઓને જોવાલાયક ઘણી જગ્યાઓ છે અને વન ભ્રમણ માટે કેડીઓ પણ વિકસાવી છે. લોકવાયકા મુજબ પાંડવો વનવાસ વખતે અહીંયા રાત્રિ દરમિયાન રોકાયા હતા, પાંડવોને તરસ લાગતાં ભીમે પાટું મારીને કૂવો ખોદ્યો હતો અને બાજુમાં શિવલિંગની સ્થાપના કરી હતી. આ જગ્યાના સ્મરણ વિશે કહું તો અહીંયા મોટા વડના ઝાડ નીચે અમે વિઘાર્થીઓને બેસાડીને પ્રકૃતિ વિશે ચર્ચા કરતા અને સામેના ઝાડ પર (જ્યાં હમણાં કેક્ટસ હાઉસ છે) ત્યાં વારંવાર ઉડીને આવતા નવરંગ પક્ષી બાળકોને બતાવતા હતા. હું અહીંયા પ્રશિક્ષક તરીકે હતો પણ મને પોતાને પ્રકૃતિ વિશેનું અખૂટ જ્ઞાન આ અભયારણ્યમાં અને અહીંના સ્થાનિક વનકર્મીઓથી મળ્યું છે. અહીંના સ્થાનિક વનકર્મીઓ પાસે પ્રકૃતિ વિશે ગજબનું જ્ઞાન છે જ્યારે એમણે કયારેય પણ આ વિષયને લગતો અભ્યાસ કર્યો નથી પણ પ્રકૃતિ વિશેની એમની સમજ એમનામાં પ્રાકૃતિક રીતે જ આવી ગઈ છે. અભયારણ્યની વચ્ચેથી વીંછિયા-જસદણ રોડ નીકળે છે, એ રોડને વટાવી સામેના ભાગે નાળિયેરી ટેકરી આવી છે જેના પર આરોહણ કરીને તમને અભયારણ્યનું અદભૂત દ્રશ્ય જોવા મળે છે. વરસાદમાં તો આ દ્રશ્ય માણસને અભિભૂત કરી નાખે છે. ચારે તરફ લીલોતરીની ચાદર ઓઢીને બેઠું હિંગોળગઢનું જંગલ જેની અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. હિંગોળગઢની આસપાસ બીજા ઘણા નાના મોટા ડુંગરો અને ટેકરીઓ છે જેમાંથી સૌરાષ્ટ્રની બે મુખ્ય નદીઓ સુખ ભાદર અને ભાદર નદીની શરૂઆત અહીંથી થાય છે. નારિયેળી ટેકરીથી સામેની તરફ જોતાં હિંગોળગઢનો જાજરમાન ગઢ નજરે ચઢે છે.

ઐતિહાસિક પુરાવાના આધારે કહેવાય છે કે આ ગઢની સ્થાપના જસદણ રાજ્યના રાજવી શ્રી વાજસૂર ખાચર દ્વારા ૧૮૦૧માં કરવામાં આવી હતી. રાજવી શ્રી વાજસૂર ખાચર હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા, તેમણે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હતું. આ ગઢની મુલાકાત અચૂક કરવા જેવી છે. મુલાકાત દરમિયાન આપને ખાચર વંશની પેઢી અને એમનો ઈતિહાસ જાણવા મળશે તથા ગઢમાં જૂના સમયની તોપ અને અન્ય વસ્તુઓ જોવા મળશે, તે સાથે જૂના સમયની બનાવટ અને બાંધકામની અદભૂત કલા જોવા મળશે. ગઢ અને અભયારણ્યની નજીક બિલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાંની મુલાકાત કરવા ઘણા પ્રવાસીઓ જતા હોય છે. હિંગોળગઢથી લગભગ ૨૦ કિમીના અંતરે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે સૌરાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા પ્રવાસીઓના રોકાણ માટે ધર્મશાળાઓ આવેલી છે. અભયારણ્યથી લગભગ ૬૫ કિમી ગોંડલ જે એક સમયનું રજવાડું હતું ત્યાં આપ રજવાડા સમયના નવલખા પેલેસની મુલાકાત લઈ શકો છો. એ સિવાય ભીમનાથ મહાદેવ મંદિર, આશાપુરા માતાજીનું મંદિર તથા સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈ શકો છો. ઘણા લોકો સાસણગીરથી પાછા વળતાં પણ હિંગોળગઢની મુલાકાત કરતા જતા હોય છે. હિંગોળગઢની મુલાકાત માટેનો સૌથી સારો સમય ચોમાસાથી શિયાળા દરમિયાનનો છે. શિયાળાની ઋતુનો અંત આવતાં જ જંગલ ઝડપથી સૂકાવા લાગે છે.

ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા શાળાના બાળકો માટે વનવિભગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો અહીંયા આવીને પ્રકૃતિના વિવિધ અંગો અને સ્વરૂપોથી માહિતગાર થાય છે. અહીંયા બાળકોને વન ભ્રમણ દ્વારા વનસ્પતિ અને પક્ષીઓની ઓળખ કરાવવામાં આવે છે. રાત્રિ સમય દરમિયાન બાળકો પાસે લોકગીત, ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવવામાં આવે છે.

આ અભયારણ્યમાં આજ દિન સુધી શાળા અને કોલેજના લાખો વિઘાર્થીઓ અને શિક્ષકો પ્રકૃતિ શિક્ષણનો લાભ લઈ ચૂક્યા છે, એ સિવાય હજારો પ્રકૃતિ પ્રેમીઓ, વન્યજીવ તસવીરકારો, વનસ્પતિ શાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ આ અભયારણ્યની મુલાકાત લઈ ચૂક્યા છે અને હજી પણ આ અભયારણ્ય બીજા અનેક પ્રકૃતિ પ્રેમીઓને જ્ઞાન અને પ્રકૃતિની ભેટ આપવા માટે તૈયાર બેઠું છે.

આ અભયારણ્યમાં સાપ વિશેની માહિતી મળે એ હેતુસર એક સાપઘર પણ બનાવવામાં આવેલ છે. શિબિરમાં આવતા વિદ્યાર્થીઓ માટે કેમ્પ સાઈટ બનાવવામાં આવી છે. અહીંયા તમે સ્થાનિક ભોજનનો સ્વાદ માણી શકો એની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. નજીકમાં રાત્રી રોકાણ માટે સામાન્ય દરની હોટલો પણ મળી જશે. વર્ષા ઋતુ દરમિયાન એક વાર આ અભયારણ્યની મુલાકાત અચૂક લેવા જેવી છે. ગીર ફાઉન્ડેશન અને વનવિભાગ દ્વારા અભયારણ્યમાં જુદી જુદી જગ્યાએ નાના મોટા ચેક ડેમ બનાવવામાં આવ્યા છે જે વરસાદના પાણીને રોકીને આ વિસ્તારને લાંબા સમય સુધી હરિયાળું બનાવીને રાખે છે.

હિંગોળગઢ પહોંચવા માટે અમદાવાદથી લગભગ ૧૮૫ કિમી, રાજકોટથી લગભગ ૮૦ કિમી અને બોટાદથી લગભગ ૫૦ કિમીનો પ્રવાસ કરવો પડે છે. ખાવા પીવા અને રહેવાની સુવિધા અને અન્ય સુવિધા હોવાના કારણે સાથે વધુ કે વગર કારણની ચીજ વસ્તુઓ લઈ ના જવી એ વધુ યોગ્ય છે. રાજકોટ અને અમદાવાદથી હિંગોળગઢની બસ મળી જાય છે. ટ્રેન અને વિમાન માર્ગે જતા હોવ તો નજીકનું બસ સ્ટેન્ડ અને એરપોર્ટ રાજકોટ રહેશે. અભયારણ્યની મુલાકાતનો સમય સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો હોય છે જેની નોંધ લેવી. હિંગોળગઢ વન્યજીવ અભયારણ્યની વધુ માહિતી મેળવવા માટે આપ અભયારણ્યના ક્લાર્ક શ્રી શત્રુઘ્નભાઈ જેબલિયાને મો : ૮૧૪૦૦૫૨૦૭૦ પર સંપર્ક કરી શકો છો.

વિશેષ સહયોગ અને આભાર :
હિંગોળગઢની માહિતી અને તસવીરો :
ઈર્શાદ ઠેબા
પક્ષીઓ અને સર્પની ફોટોગ્રાફી : નૌશાદ ઠેબા

#hingolgadh #hingolgadhfort #હિંગોળગઢ #cinegujarati 

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More