કમલેશ મોતા ઇન્ટરનેશનલ એકોક્તિ સ્પર્ધા ૨૦૨૩

આર્ટિકલ્સ

લુપ્ત થઈ રહેલી કલા અને ગુજરાતી રંગમંચને ઊજાગર કરવાનો એક ઉમદા પ્રયાસ
કમલેશ મોતા ઇન્ટરનેશનલ એકોક્તિ સ્પર્ધા ૨૦૨૩
ભારતમાં એન્ટરટેનમેન્ટ ક્ષેત્રને ડિજિટાઈઝેશનના ‘આશીર્વાદ’ મળ્યા પછી, જોતજોતામાં ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા. લોકોને ઘેર બેઠાં મનોરંજનનો જાણે કે કુબેર ભંડાર મળી ગયો, અને બહાર જઈ ફિલ્મો અને નાટકો જોવાનું ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. કોરોનાએ તો આ ઓછા થતા જઈ રહેલા વલણને વળી વધુ પ્રોત્સાહન આપ્યું. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે સિંગલ સ્ક્રીન થિએટરો બંધ થવા લાગ્યાં અને નાટકોના અસ્તિત્વ ઉપર પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગી ગયું.
પરંતુ, ગુજરાતી ભાષા અને ગુજરાતી રંગમંચની અસ્મિતાને આ કપરા સમયમાં જીવંત રાખવાનું બીડું રંગભૂમિના એક દિગ્ગજ રંગકર્મીએ ઉપાડ્યું. એમનું નામ દિવંગત શ્રી કમલેશ મોતા.
શ્રી કમલેશ મોતા ગુજરાતી થીએટરના પ્રખ્યાત દિગ્દર્શક, લેખક અને નિર્માતા હતા. તેમણે ઇન્ટરનેશનલ ડિજિટલ એકોક્તિ સ્પર્ધાનું આયોજન કરી ગુજરાતી ભાષા અને અસ્મિતાને ફક઼્ત દેશ નહીં, વિદેશમાં પણ ઉજાગર કરવાનો પ્રયાસ આરંભ્યો. આજે ભલે કમલેશ મોતા આપણી વચ્ચે નથી, પણ તેમનું કાર્ય, તેમનું સપનું, તેમના પત્ની શ્રીમતી અપ્રામી મોતા અને માંગરોળ મલ્ટિમીડિયાના સીઈઓ, શ્રી સંજય શાહ આગળ વધારી રહ્યા છે.
શ્રી કમલેશ મોતાનાં પત્ની શ્રીમતી અપ્રામી મોતા કહે છે, “એકોક્તિ દ્વારા કલાકારો સ્ટેજ પરના નાટક સાથે જોડયેલા અમુક જટિલ પરિબળોથી મુક્ત થઈને ફક્ત પોતાના અભિનયની ક્ષમતા પર ફોકસ કરી શકે છે. આ ઇન્ટરનેશનલ ડિજિટલ એકોક્તિ સ્પર્ધા ચાલુ કરવા પાછળ ધ્યેય એ પણ છે કે અભિનયમાં રસ ધરાવનાર કલાકારોને પોતાની કલા, દુનિયાના કોઈ પણ ખૂણેથી પ્રેક્ષકો સમક્ષ દર્શાવવા એક સરળ પ્લેટફોર્મ મળી રહે.


સ્વાભાવિક છે કે શ્રીમતી અપ્રામી મોતા માટે આ ઇન્ટરનેશનલ ડિજિટલ એકોક્તિ સ્પર્ધા, એક સ્પર્ધાથી પણ વિશેષ છે. તેમનું કહેવું છે કે, આ સ્પર્ધા કમલેશના ગુજરાતી થીએટરને આપેલા અમૂલ્ય યોગદાન માટે શ્રદ્ધાંજલિ છે. કમલેશે પોતાનું આખું જીવન ગુજરાતી રંગભૂમિને અર્પણ કર્યું. આ સ્પર્ધા તો અમારા તરફથી એક નાનો ફાળો માત્ર જ છે.
શ્રી સંજય શાહના જણાવ્યા પ્રમાણે, માંગરોળ મલ્ટિમીડિયાની યુટ્યૂબ ચેનલ આંગિકમ પર અપલોડ થતી આ સ્પર્ધામાં ગયા વર્ષે ૨૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, અને સ્પર્ધાને દેશ-વિદેશથી એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. તેમને વિશ્ર્વાસ છે કે આ અને આગામી વર્ષોમાં આ સ્પર્ધા વધુ પ્રચલિત અને લોકપ્રિય થશે.

આ વર્ષની સ્પર્ધાની વધુ જાણકારી આપતાં શ્રી સંજય શાહે કહ્યું, “અમે સ્પર્ધાને વધુ આકર્ષક બનાવવા નવા પ્રયાસો કર્યા છે, જેમકે એકોક્તિના વિજેતાઓને હેટ્સ ઓફ્ફ પ્રોડક્શનની ટીવી સીરિયલમાં તથા શોર્ટ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત, વિજેતા એકોક્તિઓને ખાસ શોમાં લાઇવ ભજવવાનું આમંત્રણ મળશે. ઇનામમાં રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફીઝ છે. આંગિકમ યુટ્યૂબ ચેનલ પર મહત્તમ વ્યૂઝ મેળવનારી એકોક્તિને પણ ઇનામ અપાશે. તમામ ગ્રૂપના વિજેતાઓમાંથી એક વિજેતાને સ્પર્ધાની સર્વોચ્ચ ‘કમલેશ મોતા મેમોરિયલ ટ્રોફી’ કમલેશ મોતાનાં અભિનેતા સંતાનો ધ્રુવ અને શારવી મોતાના સૌજન્યથી એનાયત થશે. તેઓ વધુમાં જણાવે છે કે ભવિષ્યમાં આ સ્પર્ધા ફક્ત ગુજરાતી ભાષા સુધી સીમિત ન રાખતાં, અલગ-અલગ ભાષાઓમાં આયોજિત કરવાનો તેમનો વિચાર છે.
સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે:
* ગુજરાતી ભાષામાં મહત્તમ પાંચ મિનિટની એકોક્તિ મોબાઇલના અથવા અન્ય કેમેરાથી લેન્ડસ્કેપ મોડમાં શૂટ કરીને, કોઈ પણ ઇફેક્ટ્સ વગર સ્પર્ધામાં મોકલી શકાશે.
* એન્ટ્રીઝ ૯૦૪૦૪૬૬૨૬૬ મોબાઇલ પર માત્ર ટેલિગ્રામ એપ પર અથવા kamleshmota contentgmail.com પર મોકલવાની રહેશે. અન્ય રીતે મોકલાયેલી એકોક્તિ નહીં સ્વીકારાય.
* વિજેતાઓની જાહેરાત સ્વ. કમલેશ મોતાની જન્મતિથિ, શુક્રવાર, ૧ સપ્ટેમ્બર ૨૦૨૩એ થશે.
* એકોક્તિ મોકલવાની છેલ્લી તારીખ ગુરુવાર, ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More