સુપરહીટ ફિલ્મસ : કાશીનો દીકરો – એક કલ્ટ ફિલ્મ kashi no dikro

સુપરહીટ ફિલ્મ્સ

સુપરહીટ ફિલ્મસ 

કાશીનો દીકરો  – એક કલ્ટ ફિલ્મ


કલ્ટ ફિલ્મ વિશેની વિવિધ વ્યાખ્યાઓમાં મને ‘કોલીન્સ ડિક્શનરી’એ સૂચવેલ વ્યાખ્યા આ ફિલ્મ માટે સૌથી યોગ્ય લાગી છે, અને એટલે આપણે ‘કાશીનો દીકરો’ને ચોક્કસ કલ્ટ ફિલ્મ કહી શકીએ. કોલીન્સ પ્રમાણે કલ્ટ ફિલ્મ એટલે A film that a certain group of people admire very much.. આંગળીના ટેરવે ગણી શકાય એવી કેટલીક કલ્ટ અને ક્લાસિક ભારતીય ફિલ્મોની યાદીમાં જેને મૂકી શકાય એવી આપણી ભાષાની આ ફિલ્મ એવા દોરમાં આવી જ્યારે લોક સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને જ નિર્માતાઓ મહદઅંશે આપણા લોક સાહિત્યમાંથી જ વાર્તાઓ શોધી શોધીને લોકભોગ્ય ચિત્રપટનું નિર્માણ કરવાનું પસંદ કરતા હતા.


ગુજરાતી ફિલ્મ નિર્માણનો એ સુવર્ણકાળ હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ નિર્માણ માટે આર્થિક સહાય અને કરમુક્તિની યોજના પણ અમલમાં હતી.
સોરઠી સંતો, બહારવટિયાઓ અને સોરઠી પ્રેમકથાઓ આધારિત ફિલ્મ નિર્માણનો એ દોર હતો. એ માહોલ અને મિજાજમાં નરેશ પટેલ જેવા કોઈ નિર્માતા સીધી સાદી વાર્તા આધારિત ફિલ્મના નિર્માણ માટે સાહસ કરે એ પણ એક સુયોગ જ ગણવો પડે! અને આવી ફિલ્મ ત્યારે જ બને જ્યારે એને કાંતિ મડિયા જેવા દિગ્દર્શક મળે, પ્રબોધ જોશી જેવા કથા-પટકથા લેખક મળે, અને સૌથી વિશેષ તો વિનોદિની નીલકંઠની કલમેથી સર્જાયેલી ‘કાશીનો દીકરો’ જેવી એક ઉત્તમ સ્ટોરી મળે, અને વળી એમાં આપણી ભાષાના નીવડેલા-ગાજેલા કવિઓના ગીતો મળે, એ ગીતોને ઉત્તમ સંગીત અને સ્વરાંકનથી હૃદયસ્પર્શી બનાવનાર ક્ષેમુભાઈ દિવેટિયા જેવા એક ઉત્તમ સંગીત દિગ્દર્શક મળે. આવો એક અદભૂત-અનોખો સંગમ સર્જાય ત્યારે જ આવી ‘ઓફબીટ’ અને ‘કલ્ટ’ ફિલ્મ બનતી હોય છે.

માતા અને માતૃત્વ એ ભારતીય ફિલ્મોનો ચહીતો વિષય રહ્યો છે. મહેબુબખાનની મધર ઇન્ડિયાથી શરૂ થયેલી માતૃત્વની આ દાસ્તાન હજુ પણ અવિરત રહી છે, અને એટલે જ છેલ્લા બે દાયકામાં આપણને પા, મોમ, સિક્રેટ સુપર-સ્ટાર, હેલીકોપ્ટર, પંગા, મીમી, નીલ બટ્ટે સનાટા જેવી માતૃત્વ કેન્દ્રિત ફિલ્મો મળી છે, પરંતુ આજથી ૪૪ વર્ષ પહેલાં આવી કોઈ ઓફબીટ ફિલ્મ બનાવવાનો વિચાર પણ દુર્લભ ગણાતો, તેવા દોરમાં ‘કાશીનો દીકરો’બની એ જ ખરેખર એક અભૂતપૂર્વ ઘટના ગણી શકાય.

વિનોદિની નીલકંઠની વાર્તા ‘દરિયાવદિલ’માંથી સંકલિત અને કાંતિ મડિયા દ્વારા એક માત્ર દિગ્દર્શિત આ ફિલ્મ એક યુવા મહિલાની પીડાની કહાની છે જે એક પત્ની તરીકે, પુત્રવધૂ તરીકે જિંદગીના એક અનિશ્ર્ચિત તબક્કામાં સાસરે પગ મૂકે છે.

ફિલ્મની પટકથા આ પ્રમાણે છે. કાશીના પરિચય સાથે જ આ ફિલ્મ ઉઘડે છે. કાશીના કિરદારમાં રાગિણીએ અદભૂત અભિનય કર્યો છે. મૃત્યુશૈયા પર પડેલી કાશીની સાસુ એના નાના દીકરાની આજીવન કાળજી લેવાનું કાશી પાસે વચન માંગે છે. કાશી એની સાસુને વચન આપે છે, અને એ સાથે જ સાસુ મૃત્યુ પામે છે. કાશી એના નાના દિયરને પોતાના પુત્રની માફક જ ઉછેરે છે. જ્યારે એનો દિયર જુવાન થાય છે ત્યારે કાશી એના લગ્ન એક યોગ્ય કન્યા (રીતા ભાદુરી)સાથે કરાવી આપે છે.

વાર્તામાં હવે એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. લગ્નની રાત્રે જ કાશીના દિયરને સર્પદંશ થાય છે અને એ મૃત્યુ પામે છે. અને બસ, ત્યારથી જ જિંદગીને ધરમૂળથી બદલી દેનારી કરુણાંતિકાની શરૂઆત થાય છે. કાશી પોતાના દિયરની એ યુવાન વિધવાને પોતાની દીકરીની જેમ જ સાચવે છે. પરંતુ, નિયતીએ આ મહિલાઓ માટે એક જુદી જ ટ્રેજેડી બાકી રાખી હોય તેમ કાશીનો આધેડ પતિ એક દિવસ આ નિ:સહાય કન્યા સાથે દુષ્કર્મ આચરે છે. કન્યા ગર્ભવતી બને છે. આ કડવું સત્ય પચાવીને કાશી પોતાના પરિવારની આબરૂ બચાવવા માટે કૃત નિશ્ર્ચયી બને છે. હવે કાશી પોતે જ સગર્ભા હોવાનું નાટક રચે છે, એટલું જ નહી, પોતાના પડોશીઓ, આસપાસના લોકોને આ આકસ્મિક, અણધારી અને અસાધારણ ઘટનાની સચ્ચાઈને સૌને ગળે ઉતારવામાં પણ એ સફળ થાય છે.

પોતાની જુવાન વિધવા કરતાં વયમાં બે ગણી મોટી કાશી હવે સગર્ભા તરીકે પ્રસ્તુત થાય છે. બાળકનો જન્મ થાય છે. પોતાના અપરાધભાવ સાથે જીવતા એક બાપ અને બે માતા સિવાય કોઈને એ સત્યની જાણ નથી.
જે રીતે વાર્તાની શરૂઆત થાય છે, એ જ રીતે એનો અંત આવે છે. કોઈએ પણ ક્યારેય ન સુણ્યો હોય કે જાણ્યો હોય એવા એક દીકરી અને એક સાસુના સંબંધને એક નવો જ અર્થ આપીને આ ફિલ્મ પૂરી થાય છે. હૃદયસ્પર્શી આ ફિલ્મનો બીજો ભાગ તમારી સંવેદનાને સ્તબ્ધ કરી મૂકે તેવો છે. રૂઢિચુસ્ત સમાજની બે માતાઓની પોતાના સન્માનપૂર્ણ અસ્તિત્વની લડાઈ અહીં આબેહુબ સાકાર થાય છે. ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં અનુભવાતું મૌન, બેક ગ્રાઉન્ડ સ્કોર, સંવાદો અને સૌથી વિશેષ તો ફિલ્મના કલાકારો રાજીવ, રાગિણી અને રીતા ભાદુરીનો અભિનય આ ફિલ્મને એક જુદું જ પરિમાણ બક્ષે છે.

કવિ અનીલ જોશી, રાવજી પટેલ, રમેશ પારેખ, બાલમુકુન્દ દવે અને માધવ રામાનુજના ગીતોને ક્ષેમુભાઈનું અદભૂત સ્વરાંકન મળ્યું છે. ગુજરાતી ગીત સંગીતમાં એક જુદી જ ભાત પાડી આપે એવા આ ગીતો આજે પણ સેંકડો સંગીત પ્રેમીઓને હૈયે અને હોઠે ગુંજે છે. સુગમ સંગીતના દંતકથાત્મક ગાયકોના કંઠે ગવાયેલા ફિલ્મના પાંચેય ગીતો લેન્ડમાર્ક ગીતો છે, અને દરેક સંજોગો- પરિસ્થિતિ અને સિચ્યુએશનમાં ફિટ બેસે છે.
મહેબુબખાનની ‘મધર ઇન્ડિયા’ જે રીતે એના શીર્ષકને સાર્થક કરે છે, એ જ રીતે ‘કાશીનો દીકરો’ પણ કાશીના અસાધારણ ત્યાગ અને બલિદાન દ્વારા એના શીર્ષકને યથા યોગ્ય ન્યાય આપે છે.

૧૯૭૯માં રીલીઝ થયેલી આ ફિલ્મને લોકપ્રતિસાદ તો થોડોક જ મળેલો, પરંતુ ફિલ્મને એકાદ ડઝન એવોર્ડ્સ જરૂર મળેલા.
આજે ચાર દાયકા પછી પણ આ ફિલ્મ જોનારા બહુ ઓછા મળવાની સંભાવના છે. અર્બન ગુજરાતી ફિલ્મોની મોસમમાં પણ એક વાર આ ફિલ્મ જોવા જેવી છે.

#kashinodikro, kashi no dikro, #gujaratimovie #gujaratifilm #gujaraticinema #movie #cinema #film #gujarat #gujarati #dayro #gujarati geeto #nareshkanodia #snehlata #rajiv #ragini #ritabhaduri #kharsani

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More