રતનમહાલ રીંછ અભયારણ્ય – Ratanmahal sloth bear sanctuary – No.1 spot to visit

ટ્રાવેલ
રતનમહાલ રીંછ અભયારણ્ય

રતનમહાલ રીંછ અભયારણ્ય - vishal thakur

સિને ગુજરાતી | રતનમહાલ રીંછ અભયારણ્ય | Ratanmahal Sloth Bear Sanctuary

આ જંગલમાં ટ્રેકિંગ અને વરસાદમાં ધોધની મુલાકાત તથા ઓછા ચંદ્ર પ્રકાશમાં અંધારામાં આકાશ દર્શન અને આસ પાસ ઉડતા આગિયા જોવા એક અવિસ્મરણીય અનુભવ છે, સ્થાનિક લોકોના ગામ અને ઘરની મુલાકાત અચૂક કરવા જેવી છે.

નમસ્કાર મિત્રો,

પાછલા આવૃત્તિમાં મેં આપને જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિશેની મહિતી આપી હતી. આ વખતે હું આપને એવા જ એક અભ્યારણ્યની માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે ઘણી ઓછી માહિતી આપની પાસે હશે. આપણે સહુ ગુજરાત રાજ્યમાં વિવિધ જંગલ વિસ્તારોમાં ફરવા જતા હોઈએ છીએ પણ અમુક વિસ્તારો એવા પણ છે જેના વિશે આપણી પાસે પૂરતી માહિતી હોતી નથી અથવા ત્યાં કઈ કઈ વિશેષતા અને એ જગ્યાનું શુું મહત્વ છે એની જાણકારીનો આપણી પાસે અભાવ હોય છે, તો એ પૈકી ચાલો આજે આપણે બીજા એક કુદરતી અને પ્રાકૃતિક વિરાસત ધરાવતા વિસ્તાર વિશે થોડું જાણીએ.

રતનમહાલ રીંછ અભયારણ્ય

ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય (Ratanmahal Sloth Bear Sanctuary) તેની અદભૂત કુદરતી સૌંદર્ય અને વન્યજીવ સંપદાની દૃષ્ટિ એ ઘણું કિંમતી અને મહત્વનું સ્થાન ધરાવે છે. આ અભયારણ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ પર આવેલું છે જેનો મોટા પ્રમાણનો ભાગ ગુજરાત રાજ્યમાં આવેલ છે. આ અભયારણ્યમાં રીંછની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે એટલે મોટા ભાગે લોકો આને રતનમહાલ વન્ય જીવ અભયારણ્યની જગ્યાએ રતનમહાલ રીંછ અભયારણ્ય તરીકે વધારે ઓળખે છે.

સમુદ્ર તટથી લગભગ ૨૩૦થી ૬૭૫ મીટરની ઊંચાઈમાં આવેલ આ અભયારણ્યમાં ૧૦૦૦ મિમી સુધી વરસાદ નોંધાય છે. જેના કારણે વરસાદની ઋતુમાં અહીંયા પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તારમાં લીલોતરીનું સામ્રાજ્ય દેખાય છે અને વરસાદી ધોધ અહીંના જંગલની સુંદરતામાં વધારો કરે છે. આબોહવા લઘુતમ ૮-૧૦ઓથી મહત્તમ ૪૦થી ૪૨ઓ સુધીની નોંધાય છે. આ અભયારણ્યમાં વરસાદથી શિયાળાની ઋતુમાં મુલાકાતનો અનુભવ ખૂબ જ અદભૂત અને અકલ્પનીય હોય છે.

રતનમહાલ રીંછ અભયારણ્ય 2

આગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હુકુમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભાળતા હતા, બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર “અનામત શિકાર સ્થળ” તરીકે જાણીતું હતું જેનો વહીવટ દેવગઢ બારિયા રાજ્યના ભાગે આવતું હતું. આઝાદી પછી દેશી રજવાડા અને રાજ્યોની સંપત્તિનું વિલીનીકરણ થયું અને આ વિસ્તારનું મહત્વ સમજતા આને “બાયોસ્ફિયર રિઝર્વ” જાહેર કરવામાં આવ્યું. આ અભયારણ્ય ૫૫.૬૪ ચો.કિમી વિસ્તાર ધરાવે છે જે વનસ્પતિ અને વન્યજીવ સંપતિ માટે ખૂબ મહત્વ ધરાવે છે.

વનસ્પતિ સંપદાની વાત કરીએ તો આ અભયારણ્ય વિસ્તારની ભૌગોલિક અને ઊંચાઈમાં વિવિધતાને કારણે અહીંયા અલગ અલગ સ્થળે જંગલ પ્રકારમાં વિવિધતા જોવા મળે છે. મિશ્ર પ્રકારના આ જંગલ વિસ્તારમાં મહુડો, સાદડ, ટીમરું, સાગ, દૂધલો, કેસુડો, આમળા, બહેડા, વાંસ, કાકડિયો, બોર, જાંબુ, ચારોળી, ખાખરો, શીમળો,, બિયો, હલદુ, કલમ, મોખો, તણાછ, આંકલ, નગોડ, સીતાફળ, કુંભી, કણજી, બિલી, ગરમાળો, કુસુમ, ગળો, કડો, મરડાસીંગ, અરડૂસી, વિકળો, ઉમરો, પારિજાતક, અરીઠા, સીસમ, મીંઢળ જેવી અન્ય ઘણી વિવિધ જાતની વનસ્પતિ જોવા મળે છે. વનસ્પતિશાસ્ત્ર ભણતા અથવા વનસ્પતિ અને વૃક્ષ વેલામાં વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને લોકો માટે આ જગ્યા કોઈ સ્વર્ગ થી ઓછી નથી.

રતનમહાલ રીંછ અભયારણ્ય ratanmahal bear

વાત કરીએ અહીંયાની વન્યજીવ સંપદાની તો અહીંયાના ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ અહીંયા ડુંગરાળ વિસ્તાર, સપાટ મેદાન અને મિશ્ર જંગલ અને વનસ્પતિની ભરમાર હોવાના કારણે અહીંયા રીંછ વધુ સંખ્યામાં જોવા મળે છે. પૂરતો અને વિવિધતા ધરાવતો ખોરાક અને રહેવા માટે આદર્શ નિવાસ સ્થાન મળવાના કારણે રીંછની સંખ્યા અહીં નિરંતર પણે વધી રહી છે. આ જ કારણને ઘ્યાનમાં લઈએ તો ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઉડતી ખિસકોલીની સંખ્યા અહીંયા સૌથી વધારે નોંધાયેલી છે. એ સિવાય દીપડા અને ઝરખ જેવા માંસાહારી પ્રાણીઓની પણ સંખ્યા સારા પ્રમાણમાં છે. દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતા કીડીખાઉં, ઘોરખોદીયો અને તામ્રવર્ણ ટપકાંવાળી બિલાડી આ અભયારણ્ય વિસ્તારમાં જવલ્લે જોવા મળી જાય છે. જંગલી બિલાડી, જંગલી ભૂંડ, જંગલી સસલું, વીજ અને તાડ વણીયર, શાહુડી, શેળો, ચોસિંગા, નીલગાય, હનુમાન લંગૂર અને લાલ મોઢા વાળા માંકડા, વિવિધ જાતનાં ફળ ભક્ષી અને જીવાત ભક્ષી ચામાચીડિયાં અને ઉંદરની જાત જેમાં ઝાડ પર રહેતો ઉંદર પણ અહીંયા જોવા મળે છે.

રતનમહાલ રીંછ અભયારણ્ય

પક્ષી પ્રેમીઓ તો અહિયાં થી ક્યારે પણ નિરાશ થઈને પાછા નથી જતા. મોનાર્ક ફ્લાઈકેચર્સ અને દૂધરાજ, રખોડી રામચકલી, પીળી ચોટલી રામચકલી, નવરંગ, દુર્લભ પ્રજાતિનો રાખોડી જંગલી મુરઘો જેવા અદભૂત પક્ષીઓથી આ વિસ્તાર ગુજરાત રાજ્યના જંગલ વિસ્તારોમાં પોતાનું અલગ જ મહત્વ ધરાવે છે, એ સિવાય ચોટલીયો સાપમાર, મોરબાજ, મધીયોબાજ, લરજી અને વિવિધ જાતના ઘૂવડ જેવા શિકારી પક્ષીઓ તથા લક્કડખોદ, લીલો હરિયો, રાખોડી ચીલોત્રો, હરિયલ જેવા ઘણા સમાન્યથી દુર્લભ પ્રજાતિના ૧૬૫થી વધુ જાતના સ્થાનિક અને યાયાવર પક્ષીઓ અહીંયા જોવા મળે છે.

સરિસૃપ જગતમાં ભારતમાં જોવા મળતાં ૪ પ્રકારના ઝેરી સાપ, ભારતનો સૌથી મોટો બિનઝેરી સાપ એટલે કે અજગર અને અન્ય ૧૬ થી ૧૮ પ્રકારના બિનઝેરી સાપ અહીંયા નોંધાયેલા છે. ટરેંટુલા પ્રકારના ઝેરી કરોળિયાની જાત પણ અહીં નોંધાયેલ છે, એ સિવાય વિવિધ જાતના દેડકાં અને કિટકોની અહીંયા ભરમાર જોવા મળે છે. આવી મૂલ્યવાન જૈવિક વિવિધતાના કારણે જ આ વિસ્તાર ભારત અને ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

અભયારણ્યની આસપાસના આદિવાસી વિસ્તારોની માહિતી પ્રમાણે અહીંયા મુખ્યત્વે બારીયા, નાયક અને રાઠવા જાતિના આદિવાસી સમાજ વસવાટ કરે છે. અહીંયા આજે પણ ઓછા આદિવાસી લોકો જૂના રીતિ રિવાજ પ્રમાણે રહેતા જોવા મળે છે. બે રાજ્યની સરહદ અને આંતરિયાળ વિસ્તારોના કારણે આપને અહીંયા આધુનિકતાનો થોડો અભાવ જોવા મળશે. અહીંયા હજી પણ સ્થાનિક લોકો જૂના રીતિ રિવાજ અને વેશભૂષામાં જોવા મળશે, રહેઠાણ અને ખોરાક તથા ઉત્સવો અને પ્રસંગ જોઈને આપને લાગશે કે આપ જૂના સમયમાં પાછા જતા રહ્યા છો. જે લોકો ભારત અને ગુજરાતમાં જૂના સમયની ઝલક જોવા માંગે છે એમના માટે રતનમહાલની મુલાકાત કરવી ખૂબ ઉપયોગી રહેશે.

અગાઉ જણાવ્યા પ્રમાણે અહીંયા વિકાસ અન્ય વિસ્તારોના પ્રમાણે ઓછો છે એટલે અહીં આવતા પહેલાં અમુક મહત્વની વાતો યાદ રાખી લેવા જેવી છે. વન વિભાગે અહીં આવતા મુલાકાતીઓ માટે ઈકો ટુરિઝમ સાઈટ વિકસિત કરી છે જે નળદા, કાંજેટા અને ઉધલ મહુડા નામે જાણીતી છે, અહીંયા આપને પાકા એસી અને નોન એસી રૂમની સાથે સાથે, ટેન્ટ સાઈટ અને ટ્રી હાઉસ અથવા ટાવર રૂમ જેવું નિવાસ મળી શકે છે. આ ઈકો ટુરિઝમ સાઈટ બનાવવા પાછળ વન વિભાગ ગુજરાત રાજ્યનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને વન સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા તથા સ્થાનિક લોકો માટે રોજગારીની તક ઊભી કરવી છે. આ જગ્યાનું સંચાલન સ્થાનિક વન વિભાગ અને અહીંયાની ઈકો ડેવલોપમેન્ટ કમિટીના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે જેનું મુખ્ય સંચાલન વડોદરા વન્યજીવ વિભાગના હસ્તક આવે છે.

આ અભયારણ્ય આંતરિયાળ વિસ્તારમાં હોવાના કારણે આસપાસ મોટા શહેર અને વ્યવસ્થાઓ દૂર પડશે. અભયારણ્યથી સૌથી નજીકનું શહેર દેવગઢબારીયા છે જે ૪૨ કિમી દૂર છે, ધાનપુર જેવા નોંધપાત્ર ગામ ૯ કિમી દૂર છે એટલે પ્રવાસને લગતી જરૂરી ચીજ વસ્તુઓ સાથે લઈ જવી વધુ હિતાવહ છે જેમ કે દવાઓ. પેટ્રોલ-ડીઝલ ગાડીમાં અચૂક ભરાવી રાખવું, વચ્ચે વચ્ચે પેટ્રોલ પંપ બન્યા છે છતાં પણ આગમચેતી રાખવી જરૂરી છે. સૂકો નાસ્તો સાથે લઈ જવો, ઈકો ટુરિઝમમાં ગરમ નાસ્તો અને જમવાની પૂરતી વ્યવસ્થા મળી જાય છે પણ અભયારણ્યની મુલાકાતે જતા પહેલા અગાઉથી બુકિંગ કરાવી લેવું જરૂરી છે. જેના માટે પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી કંજેટા અથવા નાયબ વનસંરક્ષક શ્રી, વન્યજીવ વિભાગ વડોદરાની કચેરી ૦૨૬૫-૨૪૨૫૧૩૬નો સંપર્ક કરવો. એ સિવાય ઓનલાઈન બુકિંગથી https://vadodarawildlife.in પર પણ સંપર્ક કરી શકો છો.
આ જંગલમાં ટ્રેકિંગ અને વરસાદમાં ધોધની મુલાકાત તથા ઓછા ચંદ્ર પ્રકાશમાં અંધારામાં આકાશ દર્શન અને આસ પાસ ઉડતા આગિયા જોવા એક અવિસ્મરણીય અનુભવ છે, સ્થાનિક લોકોના ગામ અને ઘરની મુલાકાત અચૂક કરવા જેવી છે, એમની સાથે એમના ઘરમાં મુલાકાત તથા એમના જંગલમાં રહેવાના અને વન્યજીવ સાથેના અનુભવો સાંભળવામાં આપને એક અલગ જ રોમાંચ મળશે. આ વિસ્તાર અને અભયારણ્યનું ધ્યાન રાખતા સ્થાનિક વન વિભાગના અધિકારી અને કર્મચારીઓની અથાગ મહેનતના પરિણામ તમે પોતાની જાતે અનુભવી શકશો. મધ્ય ગુજરાતમાં રતનમહાલ અભયારણ્યનો અનુભવ ગુજરાતના દરેક પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓએ અચૂક કરવો રહ્યો.

અગત્યની માહિતી : રતનમહાલ વડોદરાથી ૧૩૫ અને અમદાવાદથી ૨૩૬ કિમી ના અંતરે આવેલું છે. રતનમહાલ પહોંચવા માટે આપ વડોદરા થી હાલોલ , દેવગઢબારિયા થઈ ને કંજેટા પહોંચી શકો છો અને અમદાવાદ થઈને આવતા લોકો ગોધરા-દાહોદ રૂટથી દેવગબારીયા થઈને પહોંચી શકે છે.

આશા રાખું છું કે આપને આ લેખ થકી રતનમહાલ અભયારણ્ય વિશેની મહત્વની માહિતી મળી હશે. આપ જ્યારે આ લેખ વાંચીને રતનમહાલ જાઓ તો મને આપના અનુભવ અને ફોટોગ્રાફ્સ જરૂરથી મોકલજો તથા આપ બીજા કયા કયા જંગલ વિસ્તાર વિશે જાણવા ઉત્સુક છો એના વિશે પણ મને જણાવજો, હું પ્રયત્ન કરીશ કે એ અને બીજા મહત્વના પ્રવાસન વિસ્તારની સચોટ માહિતી આપના સુધી પહોંચાડી શકું.

સંપર્ક માટે camouflageoutdoor.gmail.com અથવા ઇંસ્ટાગ્રામ પર vishal_wildlife પર સંપર્ક કરી શકો છો.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

#cinegujarati #ratanmahal #bear #રતનમહાલ #સિને ગુજરાતી

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More